‘જો કોંગ્રેસ સત્તામાં આવશે તો મીડિયા પર ફરીથી સેન્સરશિપ લદાશે’
હિમંતા બિસ્વા સરમાનો ઇન્ડિયા ગઠબંધન પર હુમલો
ભોપાલઃ મધ્ય પ્રદેશના પ્રવાસે આવેલા આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ ઇન્ડિયા ગઠબંધન પર અને ખાસ કરીને કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અહીં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આસામના મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે જો કેન્દ્રમાં ફરીથી કોંગ્રેસ સરકાર આવશે તો મીડિયા પર ફરીથી પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. કૉંગ્રેસ પહેલા પણ આવું કરી ચૂકી છે. તેમની માટે આ કોઇ નવી વાત નથી.
આ બાબતે મૂળ વાત એમ છે કે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાએ કેટલાક ટીવી એન્કર અને પત્રકારોના બહિષ્કારની જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે તેઓ કે તેમની પાર્ટીના કોઇ પણ સભ્ય તેમના શોમાં હાજરી નહીં આપે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ ઇન્ડિયા ગઠબંધનના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે મીડિયા પર સેન્સરશીપ લાદવી એ તેમની જૂની આદત છે. મીડિયાનો બહિષ્કાર કરવાનો નિર્ણય તેમની જૂની આદતમાંથી જાણી શકાય છે. 1975માં પણ તેમણે આવું જ કર્યું હતું.
સીએમ શર્માએ દાવો કર્યો હતો કે જો કૉંગ્રેસ સરકાર કેન્દ્રમાં ફરીથી સત્તા પર આવશે તો મીડિયા પર અંકુશો મૂકી દેશે. કૉંગ્રેસ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે દેશમાં યોગ્ય સમયે ચંદ્રયાન-3 બનાવવામાં આવ્યું છે. હવે હું આખી કૉંગ્રેસને સરકાર બનાવવા માટે ચંદ્ર પર મોકલી આપીશ. તેમણે કહ્યું હતું કે ગઠબંધન ઇન્ડિયાએ હિંદુઓનો વિરોધ કર્યો છે અને મને આશા છે કે જનતા તેમને વોટ દ્વારા જવાબ આપશે.