નરસિંહ રાવ, ચરણસિંહ અને સ્વામીનાથનને ‘ભારતરત્ન’ આપવાના કેન્દ્રના નિર્ણયને કૉંગ્રેસે આવકાર્યો
નવી દિલ્હી: કૉંગ્રેસે શુક્રવારે પૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવ અને પૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહ અને કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનને ‘ભારત રત્ન’ આપવાની કેન્દ્ર સરકારની જાહેરાતનું સ્વાગત કરતા કહ્યું કે આ ત્રણેય ‘ભારતના રત્ન’ છે, હતા અને હંમેશા રહેશે.
ચરણ સિંહ, રાવ અને સ્વામીનાથનને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ (મરણોત્તર)થી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આ અંગેની જાહેરાત કરી હતી. જ્યારે નરસિમ્હા રાવને ‘ભારત રત્ન’ આપવાની જાહેરાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે કૉંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ સંસદ સંકુલમાં પત્રકારોને કહ્યું હતું કે “હું તેનું (જાહેરાત) સ્વાગત કરું છું. કેમ નહિ?
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું , કૉંગ્રેસ તરફથી અમે પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને એમ.એસ. સ્વામીનાથનને ભારત રત્ન એવોર્ડ આપવાનું સ્વાગત કરીએ છીએ. ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભૂતપૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ પી.વી. નરસિમ્હા રાવે રાષ્ટ્ર નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમની સરકાર હેઠળ ભારતે શ્રેણીબદ્ધ આર્થિક સુધારાઓ સાથે પરિવર્તનની યાત્રા શરૂ કરી જેણે આવનારી પેઢીઓ માટે મધ્યમ વર્ગને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ખડગેએ કહ્યું હતું કે રાવે ભારતના પરમાણુ કાર્યક્રમમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન, ‘લૂક ઈસ્ટ’ નીતિ સહિત વિદેશ નીતિની ઘણી સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી હતી. આપણા રાષ્ટ્રની સમૃદ્ધિ અને વિકાસમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હંમેશા યાદ રાખવામાં આવશે.
તેમણે કહ્યું, ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહ તેમની ખેડૂત તરફી નીતિઓ માટે જાણીતા છે અને દેશના કરોડો ખેડૂતો – આપણા અન્નદાતા અને ખેત મજૂરો – તેમનો વ્યાપકપણે આદર કરે છે. તેમણે ગ્રામીણ ભારતને મજબૂત બનાવવામાં મદદ કરી હતી.
પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે પી.વી. નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને એમએસ સ્વામીનાથન જી ભારતના રત્નો હતા, છે અને હંમેશા રહેશે. તેમનું યોગદાન અભૂતપૂર્વ હતું, જેનું દરેક ભારતીય સન્માન કરે છે.