નેશનલ

કૉંગ્રેસ એવો વેલો છે કે આધાર આપનારાને સૂકવી નાખે: વડા પ્રધાન મોદી

પરભણી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પરભણીમાં શનિવારે કૉંગ્રેસની સરખામણી એવા વેલા સાથે કરી હતી કે જેની પાસે મૂળિયાં કે શાખાઓ હોતી નથી અને તેને આધાર આપનારા વૃક્ષને જ તે સુકવી નાખે છે. તેમણે લોકોને એવી અપીલ કરી હતી કે વિકસિત ભારત અને વિકસિત મહારાષ્ટ્રનાં લક્ષ્યાંકોને સાધ્ય કરવા માટે વિપક્ષી ગઠબંધનથી સાવચેત રહો.

રાજ્યના મરાઠવાડા વિસ્તારમાં આવેલા પરભણીમાં એનડીએના સાથી મહાદેવ જાનકરના પ્રચાર માટે રેલીને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે 2024ની ચૂંટણી ફક્ત સરકાર બનાવવા માટે નથી, ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવા માટે છે.
અહીં ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં શનિવારે બે રેલીને સંબોધી હતી. પરભણી પહેલાં તેમણે પાડોશમાં આવેલા નાંદેડ મતદારસંઘમાં પણ રેલી સંબોધી હતી. આ બંને બેઠકો પર બીજા તબક્કામાં એટલે કે 26 એપ્રિલે મતદાન થવાનું છે.

વિપક્ષની જોરદાર ઝાટકણી કાઢતાં વડા પ્રધાને કહ્યું હતું કે કૉંગ્રેસ એવો વેલો છે, જેને શાખા પણ નથી અને મૂળિયાં પણ નથી. તેને જે આધાર આપે છે તેને જ સુકવી નાખે છે.

તેમણે કૉંગ્રેસ પર દેશના ભાગલા કરવાનો અને કાશ્મીરનો મુદ્દો પેદા કરવાનો આરોપ લગાવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસે કલમ 370ની આડમાં ક્યારેય કાશ્મીરમાં બંધારણ લાગુ થવા દીધું નહોતું.

કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને મોદી સરકારે 2019માં રદબાતલ કરી હતી.

તેમણે એમ પણ કહ્યું હતું કે કૉંગ્રેસ અને તેમના મિત્રોને દેશની દરેક ઐતિહાસિક બાબતો અણગમતી હતી.

મોદીએ રાજ્યની મહાવિકાસ આઘાડીની ટીકા કરતાં કહ્યું હતું કે કૉંગ્રેસ, નકલી શિવસેના (શિવસેના યુબીટીના સંદર્ભમાં) યાકુબ મેમણની કબરને સજાવવામાં વ્યસ્ત હતા. 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસના દોષી યાકુબ મેમણને 2015માં ફાંસી આપવામાં આવી હતી.

જ્યારે ઈન્ડી ગઠબંધન સત્તામાં હતું ત્યારે તેમણે લોકોને ક્યારેય એવું લાગવા જ દીધું નહોતું કે નિઝામનું શાસન પૂરું થઈ ગયું છે. રઝાકારની માનસિકતા હજી પણ અહીં પ્રવર્તી રહી છે. તેમની પ્રાથમિકતા યાકુબની કબરને સજાવવાની હતી, એમ તેમણે કહ્યું હતું.

મોદીએ કહ્યું હતું કે પરભણી એ જગ્યા છે જેણે શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેને પ્રેરણા આપી હતી. તેમણે ઉપસ્થિતોને એવો સવાલ કર્યો હતો કે શું હજી પણ રઝાકાર માનસિકતાને અહીં સ્થાન છે?
મરાઠવાડાનો મોટો વિસ્તાર નિઝામના શાસન હેઠળ હતો અને રઝાકારના સૈનિકો દ્વારા તેમના પર હુમલા કરવામાં આવતા હતા.

મોદીએ વિપક્ષ પર જલયુક્ત શિવાર જેવી યોજનામાં અવરોધ ઊભો કરવાનો આક્ષેપ કર્યો હતો અને લોકોને વિકસિત ભારત અને વિકસિત મહારાષ્ટ્રને વાસ્તવિક બનાવવા માટે ઈન્ડી ગઠબંધનથી સાવચેત રહેવા જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે 2024ની ચૂંટણી દેશને વિશ્ર્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવા માટે છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button