નેશનલ

પીએમ મોદીના વિદેશ પ્રવાસ અંગે કોંગ્રેસ નારાજ: જયરામ રમેશે સોશિયલ મીડિયા પર કર્યા ગંભીર પ્રહારો

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2 જુલાઈ, 2025થી પાંચ દેશોના પ્રવાસે જઈ રહ્યા છે, જેની શરૂઆત પશ્ચિમ આફ્રિકાના ઘાનાથી થશે. આ પ્રવાસમાં તેઓ ત્રિનિદાદ એન્ડ ટોબેગો, અર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના વિદેશ પ્રવાસને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટર (X) પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે, જ્યારે દેશમાં મુશ્કેલ પરિસ્થિતિઓ પ્રવર્તી રહી છે, ત્યારે “પોતાને 56 ઇંચવાળા ગણાવતા વડાપ્રધાન” 5 દેશોના 8 દિવસના પ્રવાસે રવાના થઈ ગયા છે.

પીએમ મોદી ચાર મુદ્દાઓથી ભાગી રહ્યા છે દૂર

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટર (X) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો છે કે વડાપ્રધાન હાલમાં દેશને હચમચાવી રહેલા ચાર મુખ્ય મુદ્દાઓથી દૂર ભાગી રહ્યા છે. જયરામ રમેશે કહ્યું કે વડાપ્રધાન આજદિન સુધી મણિપુરની મુલાકાતે ગયા નથી. તેમના કહેવા મુજબ, રાજ્યમાં “ડબલ એન્જિન સરકાર” પાટા પરથી ઉતરી ગઈ છે અને સામાન્ય જનજીવન સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે.

તેમણે ઓપરેશન સિંદૂરના ખુલાસાના મુદ્દે પણ વાત કરી હતી, તેમણે કહ્યું વડાપ્રધાનના નિર્ણયોને કારણે ઓપરેશન સિંદૂરના પ્રથમ બે દિવસમાં ભારતને નુકસાન વેઠવું પડ્યું હતું. આ ઉપરાંત તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને ટાંકીને પણ સવાલ ઉઠાવ્યા હતા, જેમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ યુદ્ધવિરામ માટે અમેરિકાએ ટ્રેડ ડીલને લાલચ અને દબાણ તરીકે ઉપયોગમાં લીધી હતી.

પહલગામ આતંકી હુમલાના આરોપીઓ

જયરામ રમેશે આરોપ લગાવ્યો કે પહલગામના આતંકવાદીઓને 70 દિવસ પછી પણ પકડવામાં નિષ્ફળતા મળી છે. તેમણે ઉમેર્યું કે આ આતંકવાદીઓનો સંબંધ પૂંછ (ડિસેમ્બર 2023) અને ગગનગીર તથા ગુલમર્ગ (ઓક્ટોબર 2024) ના હુમલાઓ સાથે પણ હોઈ શકે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશના પ્રવાસે

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2 જુલાઈ, 2025થી પાંચ દેશોના પ્રવાસે જઈ રહ્યા છે, જેની શરૂઆત પશ્ચિમ આફ્રિકાના ઘાનાથી થશે. આ પ્રવાસમાં તેઓ ત્રિનિદાદ એન્ડ ટોબેગો, આર્જેન્ટીના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાત લેશે. ત્રણ દાયકામાં કોઈ ભારતીય વડા પ્રધાનનો ઘાનાનો આ પ્રથમ પ્રવાસ છે, જે ભારત-ઘાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનો પ્રયાસ છે. આ યાત્રા આર્થિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક સહયોગ વધારવા માટે મહત્વની છે.

આ પણ વાંચો…PM મોદીનો વિરોધ એટલે દેશનો વિરોધ: જયરામ રમેશના નિવેદન પર નિશિકાંત દૂબેનો કૉંગ્રેસ પર આકરો પ્રહાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button