લખનઉઃ ઈન્ડિયા ગઠબંધનમાં દિવસે દિવસે ગાંઠો વધતી જાય છે અને તેને છોડવી અઘરી છે. નીતિશ કુમાર અને મમતા છૂટા પડ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશમાં ગઠબંધન જરૂરી બની ગયું છે. થોડા દિવસો પહેલા સમાજવાદી પક્ષના અખિલેશ યાદવે એક ટ્વીટ કરી હતી અને કૉંગ્રેસ સાથે બેઠક વહેંચણીની વાટાઘાટો સુચારુ રીતે ચાલી રહી છે અને કૉંગ્રેસ 11 બેઠક પર ચૂંટણી લડશે તેમ નક્કી થયું હતું. જોકે આ વાત સ્વાભાવિક રીતે કૉંગ્રેસીઓને માફક આવી રહી નથી. કૉંગ્રેસે અગાઉ 23 બેઠક માગી હતી, પરંતુ હવે તેઓ 20થી ઓછી બેઠકો સ્વીકારવા તૈયાર નથી, તેમ પાર્ટીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ સાથે કૉંગ્રેસની એવી પણ ઈચ્છા છે કે જે નિર્ણય થાય તે બન્ને પક્ષ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી લોકોને જણાવે. અગાઉ 2017માં બન્ને પક્ષ વચ્ચે થયેલા ગઠબંધનમાં આમ જ કરવામાં આવ્યું હતું. જોકે અખિલેશના ટ્વીટ બાદ કૉંગ્રેસના નેતાઓને પ્રતિસાદ ન આપવા સૂચના આપવામાં આવી હતી અને બેઠકોની વાતચીત ચાલી રહી છે તેમ જ કહેવામાં આવ્યું હતું. આથી કૉંગ્રેસ યુપી અધ્યક્ષ અજય રાય અને પ્રભારી અવિનાશ પાંડેયએ પણ એક સરખા નિવેદન આપી વાત વાળી દીધી હોવાનું કહેવાય છે.
છેલ્લી બે ટર્મથી કૉંગ્રેસ યુપીમાં સારું પ્રદર્શન કરી રહી નથી. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે રાયબરેલી અને અમેઠી બેઠકો જીતી હતી, જ્યારે કુશીનગર, સહારનપુર, ગાઝિયાબાદ અને કાનપુરમાં બીજા ક્રમે રહી હતી. વર્ષ 2019માં રાયબરેલી જીતી હતી, જ્યારે અમેઠી, કાનપુર અને ફતેહપુર સીકરી બીજા સ્થાને છે. 2009ની ચૂંટણીમાં તેને 21 બેઠકો મળી હતી. આ રીતે યુપીમાં 20-25 સીટો પર તેનો મજબૂત દાવો કરી રહી છે. તે જ સમયે, છેલ્લી નગરપાલિકાની ચૂંટણીમાં, કોંગ્રેસે મુસ્લિમ પ્રભુત્વવાળી ઘણી બેઠકો પર સારો દેખાવ કર્યો હતો.
સપા અને કૉંગ્રેસ સાથે આવે તો મુસ્લિમ મતોનું વિભાજન અટકાવી શકાય છે. યુપી પાસે સૌથી વધુ 71 લોકસભા બેઠક હોવાથી અહીંનું પરિણામ દેશના પરિણામને અસર કરે છે. આથી બિહાર અને બંગાળની સ્થિતિ જોતા ઈન્ડિયા ગઠબંધન યુપીમાં જળવાઈ રહે તે કૉંગ્રેસ સહિતના સાથી પક્ષો માટે મહત્વનું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને