Congress ની મુશ્કેલીમા સતત વધારો, હવે તેલંગણા કોંગ્રેસમા પણ બળવાના સંકેત
નવી દિલ્હી : દેશના ત્રણ રાજયમાં પોતાના દમ પર સરકાર ચલાવી રહેલી કોંગ્રેસની(Congress)મુશ્કેલીઓ સતત વધી રહી છે. જેમાં હવે હિમાચલ અને કર્ણાટક બાદ તેલંગણા પણ વિવાદ ઉભો થયો છે. જેમાં તેલંગણામાં કોંગ્રેસના 10 ધારાસભ્યો સરકારથી નારાજ હોવાના વિગત પ્રકાશમાં આવી છે. આ ધારાસભ્યોએ અલગથી બંધ બારણે બેઠક યોજી હતી. જેની બાદ મુખ્યમંત્રી રેવંત રેડ્ડી એક્શનમાં આવ્યા હતા અને આ ધારાસભ્યો સાથે બેઠક કરી તેમના અસંતોષની વિગતો મેળવી હતી. મહત્વનું છે કે વર્ષ 2023માં તેલંગણા વિધાનસભા ઇલેક્શનમાં કોંગ્રેસે સરકાર બનાવી હતી.
આ પણ વાંચો: ફ્રી રેવડી કલ્ચર ચૂંટણી સુધી જ? પંજાબ, તેલંગણાની સરકારોએ કેમ લીધો યુ-ટર્ન?
ધારાસભ્ય અનિરુદ્ધ રેડ્ડી સાથે ડિનર મીટિંગ કરી હતી
આ અંગે મળતી માહિતી મુજબ નારાજ ધારાસભ્યમાં મોટાભાગના ગત વર્ષે ભારત રાષ્ટ્ર સમિતિ( બીઆરએસ) થી કોંગ્રેસમાં જોડાયા હતા. બીઆરએસના નેતા કોંગ્રેસના નેતા સાથે તાલમેલ મિલાવી શકતા નથી. જેના લીધે કોંગ્રેસના નેતાઓ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ કોંગ્રેસના 10 ધારાસભ્યોએ ધારાસભ્ય અનિરુદ્ધ રેડ્ડી સાથે ડિનર મીટિંગ કરી હતી. જો કે પાર્ટી નેતાઓએ કહ્યું હતું કે આ માત્ર ડિનર મીટિંગ હતી. તેમજ વિપક્ષ આ મુદ્દાને ખોટી રીતે ચગાવી
રહ્યો છે. જો કે હાલમાં તેલંગાણા કોંગ્રેસમાં ઉભા થયેલા અસંતોષને મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને કોંગ્રેસ હાઈકમાન્ડ ઉકેલવામાં વ્યસ્ત છે.
હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં પણ બળવો જોવા મળ્યો હતો
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે લોકસભા ચૂંટણી પહેલા હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં પણ બળવો જોવા મળ્યો હતો. વિદાય લેતા પ્રદેશ પ્રમુખ પ્રતિભા સિંહ અને મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના જુથ વચ્ચે સતત લડાઈ ચાલી રહી હતી. તેની બાદ કોંગ્રેસ હાઇકમાન્ડે ગયા વર્ષે નવેમ્બરમાં કોંગ્રેસના રાજ્ય, જિલ્લા અને બ્લોક એકમોનું વિસર્જન કર્યું હતું.
કર્ણાટક કોંગ્રેસના પણ વિવાદ
જ્યારે કર્ણાટકમાં પણ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવ કુમારના રાજકીય જૂથો વચ્ચે સંઘર્ષના સમાચાર પ્રકાશમાં આવતા રહ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડને સિદ્ધારમૈયાને કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં ખૂબ મુશ્કેલી પડી કારણ કે શિવકુમારના સમર્થકો તેમના નેતાને મુખ્યમંત્રી પદ પર જોવા માંગતા હતા.