Assembly Election: કાલકાજીની બેઠક પર આતિશીની સામે કોંગ્રેસ પણ ઉતારશે મહિલા ઉમેદવાર, જાણો કોણ છે?
નવી દિલ્હીઃ દિલ્હીમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે. દિલ્હી વિધાન સભાની ચૂંટણીને લઇને કૉંગ્રેસે તેના 27 ઉમેદવારોની યાદી તૈયાર કરી લીધી છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે કૉંગ્રેસ કાલકાજી સીટ પરથી અલકા લાંબાને ઉતારવાનો ઇરાદો ધરાવે છે. આ સીટ પરથી આમ આદમી પાર્ટીએ સીએમ આતિશી માર્લેનાને ઉતારી છે.
કાલકાજી વિધાનસભા મતવિસ્તાર દિલ્હીના 70 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. આ મતવિસ્તાર 2008 માં સીમાંકન આયોગ દ્વારા પુનર્ગઠન દ્વારા બનાવવામાં આવ્યો હતો. કાલકાજી એ દક્ષિણ દિલ્હી લોકસભા મતવિસ્તારનો એક ભાગ છે.
દિલ્હી ચૂંટણીને લઈને રાજધાનીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 35 બેઠકો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. એમ કહેવામાં આવી રહ્યું છે કે 35માંથી 27 સીટો માટે નામ ફાઈનલ થઈ ગયા છે. આ પહેલા કૉંગ્રેસે 21 ઉમેદવારનું લિસ્ટ જારી કરી ચૂકી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર હાલની બેઠકમાં સીમાપુરી, જંગપુરા, મતિયા મહેલ અને બિજવાસન સીટો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. કહેવાય છે કે સીમાપુરીથી રાજેશ લીલોથિયા, જંગપુરાથી ફરહાદ સૂરી, મતિયા મહેલથી અસીમ અહેમદ અને બિજવાસનથી દેવેન્દ્ર સેહરાવતના નામની ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ આ 4 બેઠકો પરથી ઉમેદવારો ઉભા કરી શકે છે.
Also Read – દિલ્હી ચૂંટણી પહેલા ભાજપે AAP સરકાર સામે જારી કરી ચાર્જશીટ…
કૉંગ્રેસે 12 ડિસેમ્બરે દિલ્હી વિધાન સભાની ચૂંટણી માટે તેના 21 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. કૉંગ્રેસે દિલ્હીના મુખ્ય પ્રધાન શીલા દિક્ષીતના પુત્ર સંદીપ દિક્ષીતને અરવિંદ કેજરીવાલ સામે ઊતાર્યા છે. આ ઉપરાંત નરેલા બેઠક પરથી અરૂણા કુમારી, બુરાડીથી મંગેશ ત્યાગી અને આદર્શ નગરથી શિવાંક સિંઘલને ઉમેદવારી આપી છે.
દિલ્હી વિધાન સભા ચૂંટણી માટે કૉંગ્રેસે અત્યારથી જ તૈયારી આરંભી દીધી છે. પોતાના જુના નેતાઓને અન ેઆમ આદમી પાર્ટી છોડીને કૉંગ્રેસમાં જોડાયેલા નેતાઓને પણ તક આપવામાં આવી શકે છે. કૉંગ્રેસની બેઠકમાં એવો સંકેત આપવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સાથે 400 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપી શકે છે.