નવી દિલ્હી: લોકસભા ચૂંટણી(Lok Sabha election) પહેલા કોંગ્રેસ(Congress) મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, આવકવેરા વિભાગે પાર્ટીના ખાતાઓ ફ્રિઝ કરી દીધા છે. એવામાં આવક વેરા વિભાગે કોંગ્રેસ પાસેથી રૂ.135 કરોડ રૂપિયાની રકમ વસુલી છે. ચૂંટણી પ્રક્રિયામાં રોકડના મોટા પાયે ઉપયોગને કારણે કોંગ્રેસે 2018-19માં આવકવેરામાં મળતી છૂટ ગુમાવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, પાર્ટી પાસેથી 135 કરોડ રૂપિયાની ટેક્સ કલેક્શન આવકવેરા કાયદાની જોગવાઈઓ અનુસાર છે. ગત લોકસભા ચૂંટણી પ્રક્રિયામાં પાર્ટીએ રોકડનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. એપ્રિલ 2019 માં સર્ચ ઓપરેશન દરમિયાન આવકવેરા વિભાગે આ અંગેના પુરાવાઓ જપ્ત કાર્ય હતા. આવી સ્થિતિમાં, પાર્ટીનો 7 વર્ષનો રેકોર્ડ (મૂલ્યાંકન વર્ષ 2014-15 થી 2020-21 સુધી) ફરીથી ખોલવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે એસેસમેન્ટ બાદ 2021માં કોંગ્રેસ પાર્ટી પાસેથી ટેક્સની માંગણી કરવામાં આવી હતી અને તેને ચૂકવવા માટે ઘણી વખત પત્રો મોકલવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી સ્ટે પિટિશન ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ, એસેસમેન્ટના આદેશના 33 મહિના અને આવકવેરા કમિશનર (અપીલ્સ) ના આદેશના 10 મહિના પછી પણ, જ્યારે પાર્ટીએ રકમ ચૂકવી ન હતી, ત્યારે આવકવેરા કાયદાની કલમ 226(3) હેઠળ વસૂલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
આ કાર્યવાહી પર સ્ટે માંગતી અરજીને ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) અને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. સૂત્રોએ જણાવ્યું કે આ પછી આવકવેરા અધિનિયમ, 1961ની જોગવાઈઓ અનુસાર 135 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એવો પણ દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષ પર ‘ટેક્સ ટેરરિઝમ’ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના કોષાધ્યક્ષ અજય માકને આરોપ લગાવ્યો કે જે માપદંડોના આધારે કોંગ્રેસને દંડની નોટિસ આપવામાં આવી છે તેના આધારે ભારતીય જનતા પાર્ટી પાસેથી 4600 કરોડ રૂપિયાથી વધુની ચુકવણીની માંગણી કરવી જોઈએ.