ઈન્કમ ટેક્સની કાર્યવાહી મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન, લોકશાહી મુદ્દે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે (Income Tax Department) તેના વિવિધ બેન્ક ખાતામાંથી ‘અલોકતાંત્રિક રીતે’ 65 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે, એવો કોંગ્રેસે બુધવારે આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે તેમની સામે આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી હતી જ્યારે પાછલા વર્ષોના રિટર્ન સંબંધિત તેમનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.
આ આરોપ લગાવતા કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને દાવો કર્યો હતો કે જો તપાસ એજન્સીની કાર્યવાહી આ રીતે ‘બેલગામ’ ચાલુ રહેશે તો દેશમાં લોકશાહી ખતમ થઈ જશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે પાર્ટીએ બેન્કોને પત્ર લખીને કહ્યું છે કે તેઓ આ રીતે અમારા ખાતામાંથી કોઈ રકમ ઉપાડે નહી કારણ કે આ કેસ કોર્ટમાં છે અને તેના પર આઇટી ટ્રિબ્યુનલમાં સુનાવણી ચાલી રહી છે.
અજય માકને કહ્યું હતું કે અમે આવકવેરા વિભાગના અધિકારીઓ પાસેથી મળેલી અગાઉની માંગને અપીલેટ ઓથોરિટી સમક્ષ પડકારી છે જેના પર સુનાવણી ચાલી રહી છે. તેમ છતાં આવકવેરા વિભાગે કોગ્રેસ અને યુવા કોગ્રેસના અલગ અલગ બેન્ક એકાઉન્ટ્સમાંથી 65 કરોડ રૂપિયા તમામ બેન્કોને પત્ર લખ્યા છે.
અજય માકને જણાવ્યું હતું કે આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલે આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ જાહેર કરાયેલી 210 કરોડ રૂપિયાની રિકવરી નોટિસ પર સ્ટે આપ્યો છે અને આ કેસમાં ગ્રહણાધિકાર પણ નોંધવામાં આવ્યો છે. છતાં આવકવેરા વિભાગે પક્ષના બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડીને અલોકતાંત્રિક કાર્યવાહી કરી છે.