કૉંગ્રેસે ઈન્ડિયા બ્લોકના સાથીપક્ષો સાથે બેઠકની વહેચણી માટે વાતચીત શરૂ કરી
નવી દિલ્હી : કૉંગ્રેસે આંતરિક મસલતો બાદ લોકસભા ચૂંટણી માટે વિરોધ પક્ષના બ્લોક ઈન્ડિયાના સમાન વિચારસરણી ધરાવતા સાથીપક્ષો સાથે વાતચીત શરૂ કરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે પક્ષના સિનિયર નેતાઓને જોડાણના બીજા નેતાઓનો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે. અમુક પક્ષો સાથે વાતચીત શરૂ થઈ છે.
સૂત્રોએ માહિતી આપી હતી કે પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે બેઠક વહેંચણીની ઔપચારિક મંત્રણા સોમવારે શરૂ થશે. કૉંગ્રેસે આ અગાઉ જ પાંચ સભ્યોની એક સમિતિની બેઠક વહેંચણી માટે રચના કરી છે અને સભ્યો એના પર કામ કરી રહ્યા છે. તેના કન્વિનર મુકુલ વાસનિક છે અને એના સભ્યો અશોક ગહલોટ અને ભૂપેશ બઘેલ છે. આ સમિતિએ અગાઉ રાજ્યના પ્રદેશઅધ્યક્ષો સાથે આંતરિક ચર્ચા કરીને પક્ષપ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને એના તારતમ્યનો અહેવાલ આપ્યો છે
૨૮ વિરોધ પક્ષના બ્લોક ઈન્ડિયાએ લોકસભાની ચૂંટણીમાં ભાજપનો સંગઠિત રીતે સામનો કરવાનું નક્કી કર્યું છે.
ઈન્ડિયા બ્લોકે ભાજપને ૨૦૨૪માં હરાવવા વિરોધ પક્ષનો એક ઉમેદવાર ઊભા રાખવાનું નક્કી કર્યું છે. સૂત્રોએ કહ્યું હતું કે ખડગેએ સિનિયર નેતાઓને બીજા પક્ષો સાથે બેઠકની વહેંચણી માટે કામ કરવા જવાબદારી આપી છે. આમાં બેઠક વહેંચણી સમિતિના સભ્યોનો પણ સમાવેશ થાય છે.
કૉંગ્રેસ તમિળનાડુમાં ડીએમકે સાથે ચૂંટણી પૂર્વેની યુતિ ધરાવે છે. તેનું બિહારમાં આરએલડી એને જેડીયુ સાથે જોડાણ છે. તે ઝારખંડમાં જેએમએમ અને આસામમાં બીજાઓ સાથે જોડાણ ધરાવે છે. જોકે ચાવીરૂપ રાજ્યોમાં તેની મુખ્ય પક્ષો સાથે કોઈ સમજૂતી નથી.
પક્ષના નેતાઓએ પણ પશ્ર્ચિમ બંગાળમાં, કેરળમાં, દિલ્હીમાં અને પંજાબમાં ઈન્ડિયા બ્લોકના સાથીદારો સાથે બેઠકની ગોઠવણ કરવાની મુશ્કેલીની કબૂલાત કરી છે.
પશ્ર્ચિમ બંગાળમાં ટીએમસી અને ડાબેરી પક્ષો ઈન્ડિયાના ભાગ હોવા છતાં એકમેક સાથે બેઠકની વહેંચણી કરવા માગતા નથી. આથી કૉંગ્રેસને બેમાંથી એકની પસંદગી કરવી પડશે. ટીએમસીના નેતાઓ અને કૉંગ્રેસના પીસીસી વડા અધીરરંજન ચૌધરીના તાજેતરના નિવેદનો રાજ્યમાં ટીએમસી અને કૉંગ્રેસ વચ્ચે સમજૂતી થાય એવા એંધાણ આપતા નથી. કેરળમાં ૨૦ સાંસદોમાંથી ૧૯ સાંસદ કૉંગ્રેસના છે અને સીપીઆઈ-એમ સાથે સમજૂતિ કરવાથી તેને તેના ૧૯ વિદ્યમાન સંસદસભ્યોમાંથી અમુકને નારાજ કરવા પડશે.
પંજાબમાં આપ અને કૉંગ્રેસ બન્ને તેમના વિજય માટે આશાવાદી છે અને તેમને કોઈ સમજૂતી જોઈતી નથી.
જોકે પક્ષ ભાજપ સામે વિરોધપક્ષોને એક કરવા મધ્ય માર્ગ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે. ખડગેએ શનિવારે કહ્યું હતું કે ઈન્ડિયાના ઘટકપક્ષોના નેતાઓ ૧૦-૧૫ દિવસની અંદર વિપક્ષોના બ્લોકના હોદ્દાની ફાળવણી અંગે નિર્ણય લેશે.
પત્રકાર પરિષદને સંબોઘતા ખડગેએ કહ્યું હતું કે બેઠકની વહેંચણી સહિતની બધી બાબતોનો ઈન્ડિયા બ્લોક તત્કાળ નિવેડો લાવશે. પક્ષના સૂત્રોએ કહ્યું હતું કે મહિનાના અંતમાં બેઠકની વહેંચણીનું કામ પતી જશે.
ખડગેએ કહ્યું હતું કે કૉંગ્રેસ લોકસભાની ૫૪૫ બેઠક પર કામ કરી રહી છે અને આ માટે તેણે નિરીક્ષકની નિમણૂક કરી છે, પરંતુ કયો પક્ષ કેટલી બેઠક લડશે એનો નિર્ણય વિપક્ષની યુતિના ઘટકપક્ષોના નેતાઓ સાથે મસલતો કર્યા બાદ નક્કી કરાશે.
કૉંગ્રેસ પક્ષ કેટલી બેઠકો લડશે એવા સવાલના જવાબમાં ખડગેએ કહ્યું હતું કે અમે બધી સંસદીય બેઠક માટે નિરીક્ષકો નિમ્યા છે. અમે દરેક સંસદીય ક્ષેત્રમાં જઈને એની સમીક્ષા કરીશું. અંતે તો જ્યાં ઇન્ડિયા જોડાણ છે ત્યાં વાટાઘાટો કરાશે અને ત્યાર બાદ ચોક્કસ આંકડો નક્કી કરાશે. અમે દરેક જગ્યા પર ફરી રહ્યા છીએ. જો ઉમેદવારની પસંદગી અંગે અમારા સાથીદારો સાથે અસંમતી હશે તો નિરીક્ષકો દરમિયાનગીરી કરશે. (એજન્સી)