નેશનલ

ગુજરાતમાં રાહુલની યાત્રા પહેલા કૉંગ્રેસ કડડડભૂસ સિનિયર ધારાસભ્ય મોઢવાડિયાનું રાજીનામું

કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરિષ ડેરે પણ કૉંગ્રેસ છોડી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના 7મી માર્ચના રોજ પ્રવેશ થાય તે પહેલા જ કૉંગ્રેસના માજી ધારાસભ્ય અને સ્થાનિક નેતાઓઓનું ભાજપ જોડો અભિયાન શરૂ થયું હોય તેમ કૉંગ્રેસ નવા સિનિયર ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. મોઢવાડિયાએ કૉંગ્રેસના તમામ હોદ્દા પરથી પણ રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત અમરેલી જિલ્લાના રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને ભાજપમાં જોડાશે. આમ એક જ દિવસમાં બે મોટા માથાના રાજીનામાથી કૉંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. મોઢવાડિયાના રાજીનામા સાથે 182 ધારાસભ્યો વાળી ગુજરાત વિધાનસભાના સભ્યોની સંખ્યા ઘટીને 177 થઇ છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં ખ્ંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ અને ત્યારબાદ વિજાપુરના ધારાસભ્ય ડો. સી જે ચાવડાએ રાજીનામાં આપીને કૉંગ્રેસમાં ભંગાણ શરૂ કર્યા બાદ તાજેતરમાં જ છોટા ઉદેપુરના કૉંગ્રેસના માજી સાંસદ અને માજી પ્રધાન નારણ રાઠવાએ પણ કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ પહેર્યો હતો, પરંતુ ભાજપે 7મી માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા જ કૉંગ્રેસનું મોટું માથું ગણાતા અર્જુન મોઢવાડિયા અને રાજુલાના માજી ધારાસભ્ય અંબરીશ ડેરની વિકેટ ખેરવી હતી.
કૉંગ્રેસના ધારાસભ્ય પદેથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યા બાદ મોઢવાડિયા હવે આગામી ગણતરીના દિવસોમાં જ ભાજપમાં જોડાશે. લોકસભાની ચૂંટણીની સાથે જ પોરબંદર બેઠક ખાલી થતા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે મોઢવાડિયા મેદાનમાં ઊતરશે. બીજી બાજુ એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે, અમેરલીની રાજુલા બેઠકના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીને ભાવનગરની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવામાં આવશે અને ખાલી પડેલી રાજુલા બેઠકની પેટા ચૂંટણીમાં કૉંગ્રેસના માજી ધારાસભ્ય અંબરિષ ડેરને ભાજપ ઉમેદવાર બનાવશે.
રાજીનામું આપ્યા બાદ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, દેશના લોકો રામ મંદિર ઇચ્છતા હતા ત્યારે કૉંગ્રેસનું વલણ નકારાત્મક હતું, તેમ જ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનુ આમંત્રણ પણ કૉંગ્રેસ ઠુકરાવવાથી લોકોની ભાવના સાથે ચેડા કર્યા હતા.
દરમિયાન અમરેલીની રાજુલા બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા અબંરીશ ડેરના અમદાવાદ ખાતેના નિવાસસ્થાને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સોમવારે ડેરના માતાની તબિયત પૂછવાને બહાને ગયા બાદ અબંરીશ ડેરે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતુ.
કૉંગ્રેસમાંથી રાજીનામું આપવા અંગે અંબરીશ ડેરે જણાવ્યું હતું કે, મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તે મારા ધ્યાને નથી. વધારે દુ:ખ કૉંગ્રેસના રામ પ્રત્યેના વલણનું છે. રાજકીય પાર્ટીનું ધ્યેય લોકોનું ભલું કરવાનું હોય છે. ભાજપમાં જોડાવા માટે કોઇ સોદો કર્યો નથી. કારણ કે જ્યાં લાગણી હોય ત્યાં સોદા ન હોય. ભાજપ દ્વારા જે જવાબદારી સોંપવામાં આવશે તેને નિભાવીશ. આવતીકાલે મંગળવારે બપોરે 12.30 વાગ્યે ભાજપમાં જોડાવાનો છું.
દરમિયાન નવસારીના કૉંગ્રેસના સ્થાનિક નેતા ધર્મેશ પટેલે પણ સોમવારે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker