પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટ પહોંચી કોંગ્રેસ, કરી આ માંગ

નવી દિલ્હી : દેશમાં અનેક મુસ્લિમ ધાર્મિક સ્થળોના સ્થાને હિંદુ મંદિર હોવાના મળેલા પુરાવા અને અનેક સ્થળોએ મંદિર હોવાના થયેલા દાવા વચ્ચે કોંગ્રેસ “પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ” ને (Places of Worship Act) મુદ્દે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. તેમજ કહ્યું છે કે ભારતમાં ધર્મનિરપેક્ષતાને સુરક્ષિત રાખવા માટે આ કાયદો આવશ્યક છે. આ અંગે વધુ સુનાવણી 17 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. કોંગ્રેસ તરફથી આ અરજી કે.સી. વેણુગોપાલે દાખલ કરી છે.
ધર્મનિરપેક્ષ માળખાને જોખમમાં મૂકી શકે
કોંગ્રેસ પાર્ટીએ કાયદાની માન્યતાને પડકારતી પેન્ડિંગ અરજીઓમાં હસ્તક્ષેપની માંગ કરતા, કહ્યું કે તેમાં કોઈપણ ફેરફાર ભારતની સાંપ્રદાયિક સંવાદિતા અને ધર્મનિરપેક્ષ માળખાને જોખમમાં મૂકી શકે છે. જેનાથી રાષ્ટ્રનું સાર્વભૌમત્વ અને અખંડિતતા જોખમાઈ શકે છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે 12 ડિસેમ્બરે વચગાળાનો આદેશ જાહેર કરીને દેશભરની અદાલતોને હાલ પૂરતું ધાર્મિક સ્થળોના સર્વેનો આદેશ ન આપવા કહેવામાં આવ્યું હતું.
સીપીએમે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી
આ કેસમાં અગાઉ જમિયત ઉલેમા-એ-હિંદ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે સીપીએમે પણ 1991ના પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ એક્ટને જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સીપીએમે દેશભરમાં મસ્જિદો અને દરગાહોને હિન્દુ મંદિર ગણાવીને દાખલ કરવામાં આવી રહેલા કેસોનો વિરોધ કર્યો છે.
પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ શું છે ?
‘પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991 માં જણાવાયું છે કે 15 ઓગસ્ટ 1947ના રોજ દેશના દરેક ધાર્મિક સ્થળની સ્થિતિ બદલી શકાતી નથી. આ કાયદાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદો હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ સમુદાયોને તેમના અધિકારો માંગવાથી વંચિત રાખે છે.
ધાર્મિક આધાર પર ભેદભાવ
જ્યારે કોઈપણ મુદ્દો કોર્ટમાં ઉઠાવવો એ દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે, પરંતુ પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ નાગરિકોને આ અધિકારથી વંચિત રાખે છે. આ માત્ર ન્યાયના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન નથી, પરંતુ ધાર્મિક આધાર પર ભેદભાવ પણ છે. સીપીએમના પોલિટબ્યુરો સભ્ય પ્રકાશ કરાત દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટને પડકારતી તમામ અરજીઓને ફગાવી દે.
આ પણ વાંચો…Delhi Election : ભાજપે ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું, જાણો કોને કયાથી ટિકિટ મળી
અદાલતો કેસ રજીસ્ટર ના કરે કોઈ કાર્યવાહી ના કરે
સુપ્રીમ કોર્ટે તેની છેલ્લી સુનાવણીમાં સ્પષ્ટ કર્યું હતું કે ધાર્મિક સ્થળો અંગે નવા કેસ દાખલ કરી શકાય છે. પરંતુ અદાલતો તેને રજીસ્ટર ના કરે કોઈ કાર્યવાહી ના કરે. તેમજ ચાલુ કેસોમાં પણ સર્વે સહિતના કોઇ આદેશો ના આપવા જોઇએ.