‘ભારતનું અપમાન કરવા છતાં ચૂપ કેમ છે PM Modi’?, USAID ફંડિંગ મામલે કોંગ્રેસનાં સવાલ

નવી દિલ્હીઃ યુએસએડ ફંડિંગ વિવાદ વચ્ચે કોંગ્રેસે ભાજપની કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે ભાજપ પર “અમેરિકાથી નકલી સમાચાર” ફેલાવવાનો અને “રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ” કરવાનો આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ જયશંકરે એ જણાવવું જોઇએ કે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક વારંવાર ભારતનું ‘અપમાન’ કરી રહ્યા છે ત્યારે સરકાર કેમ ચૂપ છે? જોકે, ભાજપે કોંગ્રેસના તમામ આરોપોને ફગાવી દીધા હતા. ઉપરાંત રાહુલ ગાંધીને ‘દેશદ્રોહી’ ગણાવતા કહ્યું કે તેઓ વિદેશી શક્તિઓ સાથે મળીને ભારતને નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ભાજપને જૂઠ અને અભણ લોકોનું જૂથ ગણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે 21 મિલિયન યુએસ ડોલરના સમાચાર, જેના પર ભાજપે હોબાળો મચાવ્યો હતો તે ખોટા નીકળ્યા હતા.
આ પણ વાંચો: USAID ફંડના વિવાદ વચ્ચે નાણાં મંત્રાલયનો અહેવાલ, આ પ્રોજેક્ટમાં વપરાયું ફંડ
તેમણે કહ્યું હતું કે 2022માં 21 મિલિયન યુએસ ડોલરના સમાચાર ભારતમાં ‘મતદાન’ માટે નહીં પરંતુ બાંગ્લાદેશ માટે હતા. તેમણે આરોપ લગાવ્યો કે મસ્કે ખોટો દાવો કર્યો, ટ્રમ્પ બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મૂંઝવણમાં મુકાયા હતા. અમિત માલવિયાએ જૂઠને વધુ ફેલાવ્યું પછી ભાજપના બાકીના લોકોએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો.
જયરામ રમેશે ‘એક્સ’ પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘જ્યારથી ટ્રમ્પ વહીવટીતંત્રના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીએ કહ્યું કે યુએસએડએ ‘વોટ ઇન ઇન્ડિયા’ માટે 21 મિલિયન ડોલરનું ભંડોળ રોકી દીધું છે ત્યારથી ભાજપ કોંગ્રેસ પર ખોટા આરોપો લગાવી રહ્યું છે.’ પરંતુ આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. જ્યારે પૈસા ભારત પહોંચ્યા નથી તો પછી તેને રોકવાનો શું અર્થ છે?
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં US Funding ના દાવાએ વિવાદ સર્જ્યો, વિદેશ મંત્રાલયે આપી આ પ્રતિક્રિયા
કોંગ્રેસના નેતા રમેશે જણાવ્યું હતું કે આ વિવાદ વાસ્તવમાં ડીઓજીઇના લિસ્ટમાં બે યુએસએડ ગ્રાન્ટની આસપાસ ફરે છે, જે વોશિંગ્ટન સ્થિત કન્સોર્ટિયમ ફોર ઇલેક્શન્સ એન્ડ પોલિટિકલ પ્રોસેસ સ્ટ્રેન્થનિંગ દ્વારા આપવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે સીઇપીપીએસને યુએસએડ તરફથી કુલ 486 મિલિયન અમેરિકન ડોલર મળવાના હતા. ડીઓજીઇના મતે ફંડ મોલ્દોવા માટે 22 મિલિયન ડોલર અને ‘ભારતમાં મતદાન’ માટે 21 મિલિયન ડોલરનો સમાવેશ થાય છે. રમેશે સ્પષ્ટતા કરી કે ભારત માટે યુએસએડનું 21 મિલિયન ડોલરનું ભંડોળ વાસ્તવમાં બાંગ્લાદેશ માટે હતું.