લોકસભામાં કોંગ્રેસે ભાજપના બે સાંસદ વિરુદ્ધ મૂક્યો વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ, જાણો સમગ્ર મામલો…

નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)અંગેની ટિપ્પણી બદલ કોંગ્રેસે શુક્રવારે ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ મૂક્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે નિશિકાંત દુબે અને પાત્રાએ દેશદ્રોહી’ અને ‘સોરોસ લિંક’ જેવા ગંભીર અને ખોટા આરોપો લગાવીને રાહુલ ગાંધીની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો : રાજ્ય સભામાં કોંગ્રેસના સાંસદની સીટ પરથી મળી આવ્યા નોટોના બંડલ
સંસદમાં બોલવાની મંજૂરી આપવામાં આવી હતી
મીડીયા અહેવાલ મુજબ, કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ જણાવ્યું હતું કે, અમે ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને સંબિત પાત્રા સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ મૂક્યો હતો. આજે અમે સ્પીકર પાસેથી આ અંગે નિર્ણય લેવા માંગતા હતા, પરંતુ પ્રશ્નકાળ મોકૂફ રાખવામાં આવ્યો હતો. જે વ્યક્તિ તેમની વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. તેમને ફરીથી સંસદમાં બોલવાની મંજૂરી આપવામાં આવી હતી.
લોકસભા સ્પીકર સરકારના દબાણમાં
કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે પણ કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું કે, “અમે વિપક્ષના પગલાને દબાવવા માટે સરકારનું દમનકારી વલણ જોઈ રહ્યા છીએ. ગઈકાલે એક સભ્યએ વિપક્ષના નેતા અને ગૃહના અન્ય સભ્ય વિરુદ્ધ ખૂબ જ કઠોર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે અન્ય એક સભ્યએ સંસદની બહાર અપમાનજનક ટિપ્પણી કરી. કોંગ્રેસ પાર્ટીએ બંને નેતાઓ સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ મૂક્યો છે. લોકસભા સ્પીકર સંપૂર્ણપણે સરકારના દબાણમાં છે.
રાહુલ ગાંધી પર ભાજપ નેતાઓએ શું કહ્યું?
ગુરુવારે ગૃહમાં ઝીરો અવરમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈ વચ્ચે શબ્દ યુદ્ધ છેડાયું હતું. અમેરિકામાં રાહુલ ગાંધીની સભાઓ પર સવાલ ઉઠાવતા દુબેએ કહ્યું કે, હું વિપક્ષના નેતાને માત્ર 10 પ્રશ્નો પૂછવા માંગુ છું, ભારત જોડો આંદોલનમાં ભાગ લેનાર ઓપન સોસાયટી ફાઉન્ડેશનના સલિલ શેટ્ટી સાથે તમારો શું સંબંધ છે. તેણે ભારતને પૈસા આપ્યા હતા.
રાહુલ ગાંધી ખાલિસ્તાન બનાવવા માંગે છે
નિશિકાંત દુબેએ વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી ઇલ્હાન ઓમર, રો ખન્ના અને બાર્બરા લીને મળ્યા, જેમણે અમેરિકામાં પીએમ મોદીના કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધી તેમને મળ્યા જેઓ ખાલિસ્તાન બનાવવા માંગે છે, જેઓ કાશ્મીરને અલગ કરવા માંગે છે. તમારો તેમની સાથે શું સંબંધ છે?
આ પણ વાંચો : INDI ગઠબંધનમાં પડી રહ્યા છે ગાંઠાઃ રાહુલ ગાંધીનો વિકલ્પ શોધી રહ્યા છે સાથીપક્ષો?
આ દેશની એકતા અને સાર્વભૌમત્વનો મુદ્દો
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીને સૌથી મોટા દેશદ્રોહી ગણાવ્યા હતા. પાત્રાએ કહ્યું હતું કે, એલઓપી રાહુલ ગાંધી દેશદ્રોહી છે. જ્યોર્જ સોરોસ ઓપન સોસાયટીને ફંડ આપે છે. તે દેશ વિરુદ્ધ દુષ્પ્રચાર કરે છે. આ મુદ્દો ગંભીર છે. આ દેશની એકતા અને સાર્વભૌમત્વનો મુદ્દો છે. કેટલીક શક્તિઓ ભારતને તોડવા માંગે છે. ફ્રેન્ચ. અખબાર મીડિયાએ આ અંગેનો ખુલાસો કર્યો છે કે રાહુલ ગાંધી પણ જ્યોર્જ સોરોસને મળ્યા છે.