કેરળમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી યોજી કોંગ્રેસે
ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગને પણ આમંત્રણ આપ્યું

કોઝિકોડેઃ કેરળના કોઝિકોડેમાં કોંગ્રેસ પાર્ટીના રાજ્ય એકમે પેલેસ્ટાઈનના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કર્યું હતું. આ રેલીનું ઉદ્ઘાટન કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે કર્યું હતું. કેરળમાં કોંગ્રેસ ગઠબંધનનો હિસ્સો એવા ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગને પણ આ રેલીમાં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
નોંધપાત્ર રીતે કેરળના ઉત્તર ભાગમાં એટલે કે મલબાર વિસ્તારમાં મુસ્લિમોની વસ્તી વધુ છે. આ સમગ્ર વિભાગમાં મુસ્લિમ લીગનું વર્ચસ્વ છે. ગયા મહિને મુસ્લિમ લીગે કોઝિકોડેમાં હમાસ અને પેલેસ્ટાઈનના સમર્થનમાં એક રેલીનું પણ આયોજન કર્યું હતું, જેમાં એકત્ર થયેલા લોકોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. કોંગ્રેસની બેઠક પેલેસ્ટાઈનના સમર્થનમાં અવાજ ઉઠાવવા માટે હતી. સ્ટેજ પર ઉપસ્થિત દરેક નેતાએ પેલેસ્ટાઈનની આડમાં પીએમ નરેન્દ્ર મોદીને કોસ્યા હતા. તમામ નેતાઓએ કહ્યું હતું કે અત્યાર સુધી ભારત પેલેસ્ટાઈનનું સમર્થન કરતું આવ્યું છે, પરંતુ ઈઝરાયેલને સમર્થન આપીને પીએમ મોદીએ દુનિયાની સામે ભારતનું અપમાન કર્યું છે.
રેલીની શરૂઆત કોંગ્રેસ પ્રદેશ એકમના અધ્યક્ષ કે સુધાકરને પીએમ મોદીને શ્રાપ આપીને કરી હતી. તેમણે ગાઝામાં જે થઇ રહ્યું છે તેની સીધી તુલના ગુજરાત સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી ભારતે પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું હતું, પરંતુ નરેન્દ્ર મોદીના આગમન બાદ ભારતનું સ્ટેન્ડ બદલાઈ ગયું છે. નરેન્દ્ર મોદી કોમવાદી છે. ગુજરાતમાં કટ્ટરપંથીઓએ મુસ્લિમ સમુદાયના લોકોની દુકાનો લૂંટી હતી, નિર્દોષ બાળકોને તેમની માતાઓ સામે માર્યા હતા અને તેમના પતિની સામે પત્નીઓ પર બળાત્કાર કર્યો હતો. ગુજરાત રાજ્યથી શરૂ થયેલી આ અંગેની ચર્ચા હવે મોદી કેન્દ્રના મંચ પર આવ્યા બાદ સમગ્ર વિશ્વમાં છવાઈ ગઈ છે. મોદીએ સ્વતંત્ર નિર્ણયો લેવાને બદલે બિનસાંપ્રદાયિકતાનું સ્ટેન્ડ લેવાને બદલે પેલેસ્ટાઈનના વિરોધમાં સ્ટેન્ડ લીધું છે. પેલેસ્ટાઈનના લોકોનું રક્ષણ એ માત્ર ત્યાંના લોકોની જવાબદારી નથી, પરંતુ દુનિયાના તમામ સેક્યુલર પક્ષોની જવાબદારી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જેવા બિનસાંપ્રદાયિક પક્ષે આ જવાબદારી નિભાવવાની છે અને આપણે સૌએ તેનું સમર્થન કરવું પડશે.
ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના નેતા પીકે કુંજલી કુટ્ટીએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વમાં ઇન્ડિયા અલાયન્સની સરકાર બનાવવી જોઇએ, તો જ દેશની વસ્તુસ્થિતિ બદલાશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે અમેરિકા પહેલા નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલને સમર્થન જાહેર કર્યું હતું. નરેન્દ્ર મોદી ઈઝરાયેલને આટલો પ્રેમ કેમ કરે છે. ભારતે પણ યુએનમાં યુદ્ધવિરામ પ્રસ્તાવને સમર્થન આપ્યું ન હતું. પીએમ નરેન્દ્ર મોદીના આ નિર્ણયથી દેશનું અપમાન થયું છે. નેતન્યાહુ અને નરેન્દ્ર મોદી બંને એક જ પ્રકારના છે.
કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું હતું કે મોદી સરકારની વિદેશ નીતિ દાયકાઓથી ચાલતી આપણા દેશની વિદેશ નીતિની વિરુદ્ધ છે. મોદી સરકારે જે કંઈ કર્યું છે તેનું સમર્થન કરી શકાય નહીં.