કૉંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને લડશે વિધાન સભાની ચૂંટણી

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં વિધાન સભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. આ વિધાન સભાની ચૂંટણીમાં કૉંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને લડશે, એવી જાહેરાત પૂર્વ સીએમ ફારૂક અબદુલ્લાએ કરી છે. તેમણે આ જાહેરાત કરતા પહેલા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે લાંહી મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં સીટ વહેંચણીની જાહેરાત કરવામાં આવશે. આટલું જ નહીં તેમણે પીડીપીને પણ સાથે જોડાવવા જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે તેમના દરવાજા કોઇ પણ સમાન વિચારધારા ધરાવતા પક્ષ માટે બંધ નથી અને ભવિષ્યમાં કંઇ પણ થઇ શકે છે. જીતના કિસ્સામાં તેમના સીએમ બનવાના સવાલને તેમણે હસીને ઉડાવી દીધો હતો.
આ પણ વાંચો : ઇંતઝાર થયો ખતમ… જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ તબક્કા, હરિયાણામાં એક તબક્કામાં ચૂંટણી
ફારૂક અબદુલ્લાએ જણાવ્યું હતું કે, અહીંના લોકોએ 10 વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે. આશા છે કે હવે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળશે. તેમનો એક માત્ર સંકલ્પ છે કે સાથે મળીને વિભાજનકારી તાકતોને હરાવવામાં આવે. તેમણે જમ્મુ કાશ્મીરના લોકોને તેમના હક્કો અપાવવાની પણ વાત કરી હતી