નવી દિલ્હીઃ સંસદમાં શિયાળુ સત્ર હાલમાં ચાલી રહ્યું છે. આજે નવમો દિવસ છે. ગઇ કાલે સંસદની સુરક્ષામાં ગંભીર ક્ષતિ સામે આવી હતી. સંસદની દર્શક ગેલેરીમાંથી બે લોકો નીચે કૂદ્યા હતા અને તેમણે સાંસદો પીળા રંગનો ધૂમાડો છોડ્યો હતો. જોકે, ત્યાર બાદ સુરક્ષા અધિકારીઓએ તેમને પકડી લીધા હતા અને હાલમાં તેમની તપાસ ચાલુ છે. આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે હાલમાં સંસદમાં આવનારા લોકો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને વિપક્ષ તરફથી હંગામો ચાલુ રહ્યો હતો. લોકસભામાં હંગામાને કારણે કોંગ્રેસના પાંચ સાંસદોને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં ટીએન પ્રથાપન, હિબી એડન, એસ જોથિમાની, રામ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસનો સમાવેશ થાય છે.
લોકસભામાં ગેરવર્તન બદલ આ સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે એવી માહિતી આવી રહી છે કે હંગામાને કારણે કોંગ્રેસના વધુ 9 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ રીતે કોંગ્રેસના કુલ 14 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં તેમાં બેની બેહનન, મોહમ્મદ જાવેદ, પીઆર નટરાજન, કનિમોઝી, વીકે શ્રીકંદન, કે સુબ્રમણ્યમ, એસઆર પાર્થિબન, એસ વેંકટેશન અને મણિકમ ટાગોરનો સમાવેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા પ્રધાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, અનુરાગ ઠાકુર અને અન્ય ઘણા પ્રધાનો અને સાંસદો હાજર રહ્યા હતા.
લોકસભામાં કાર્યવાહી શરૂ થઇ હતી, પણ કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કરી દીધો હતો. તેમને શાંત રહેવાની અપીલ કરતા લોકસભામાં સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે ગઈ કાલની ઘટના દુર્ભાગ્યપૂર્ણ હતી પરંતુ આવી ઘટનાઓ અગાઉ પણ બની છે અને આ મામલે કોઈ રાજનીતિ ન થવી જોઈએ. જોકે, વિપક્ષોએ તેમની વાત ગણકારી નહોતી અને તેમનો હંગામો ચાલુ રાખ્યો હતો. વિપક્ષોએ જણાવ્યું હતું કે સંસદમાં સુરક્ષા ક્ષતિના મુદ્દે વડાપ્રધાન અને ગૃહ પ્રધાન મૌન છે. વિપક્ષોને ભારે હોબાળો મચાવતા સંસદની કાર્યવાહી સાવ ખોરવાઇ ગઇ હતી. તે સમયે ભારે હંગામો મચાવતા ટીએમસીના રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ’બ્રાયનને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.