શશિ થરૂરે લાલકૃષ્ણ અડવાણીના વખાણ કર્યા, કહ્યું તેમને માત્ર રામ રથયાત્રાથી આંકી શકાય નહી…

નવી દિલ્હી : કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી અંગે આપેલા નિવેદનથી રાજકીય વર્તુળમાં ચર્ચા જગાવી છે. તેમણે લાલકૃષ્ણ અડવાણીની કારકિર્દીને એક ઘટના સાથે જોડીને સીમિત કરવાની બાબતને અયોગ્ય ગણાવી હતી. તેમણે કહ્યું કે જે રીતે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને ફક્ત ચીન યુદ્ધમાં મળેલી હારથી અથવા ઇન્દિરા ગાંધીને ફક્ત કટોકટીથી નકારી શકાય નહી. તેવી જ રીતે લાલકૃષ્ણ અડવાણીને માત્ર રામ રથયાત્રાથી આંકી શકાય નહી.
લાલકૃષ્ણ અડવાણીને જન્મ દિવસની શુભેચ્છા આપી
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે લાલકૃષ્ણ અડવાણીને જન્મ દિવસની શુભેચ્છા આપી હતી. તેમજ થરૂરે અડવાણી સાથેનો પોતાનો એક જૂનો ફોટો શેર કર્યો હતો. જેમાં તેમણે દેશ પ્રત્યે અતૂટ સમર્પણ, તેમની નમ્રતા અને શિષ્ટાચાર અને આધુનિક ભારતને આકાર આપવામાં તેમની ભૂમિકા બદલ પ્રશંસા કરી. તેમણે અડવાણીને એક સાચા રાજકારણી તરીકે વર્ણવ્યા અને કહ્યું કે તેમનું સેવાનું જીવન અનુકરણીય રહ્યું છે.
શશિ થરૂરનું તેમના પક્ષ કરતા અલગ નિવેદન
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સાંસદ શશિ થરૂર તેમના પક્ષ કરતા અલગ નિવેદન આપી રહ્યા છે. હાલમાં જ તેમણે એક લેખ લખ્યો જેમાં તેમણે નહેરુ-ગાંધી પરિવારને વંશીય રાજકારણના ઉદાહરણ તરીકે ટાંક્યો હતો અને દલીલ કરી કે તે યોગ્યતા માટે હાનિકારક છે. આ લેખમાં, તેમણે ભાજપના નેતાઓના પરિવારોના કોઈ ઉદાહરણ ટાંક્યા નથી જેના માટે તેમને ભાજપ તરફથી પ્રશંસા મળી હતી .
આ પણ વાંચો…પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી…



