કોંગ્રેસ દેશભરમાં મનરેગા બચાવો આંદોલન કરશે, જી રામજી કાયદાને ગરીબ વિરોધી ગણાવ્યો

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ વચ્ચે મનરેગા યોજના અંગે ઉભો થયેલા વિવાદને કોંગ્રેસ આંદોલનનું સ્વરૂપ આપશે. આ અંગે કોંગ્રેસ 08 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી દેશભરમાં મનરેગા બચાવો આંદોલન કરશે. કોંગ્રેસ પક્ષનું કહેવું છે કે વીબી -જી- રામજી કાયદો ગ્રામીણ રોજગાર ગેરંટીને સમાપ્ત કરી રહ્યો છે. જેને કોંગ્રેસ કોઈપણ કિંમતે સ્વીકારશે નહીં. કોંગ્રેસે આ કાયદાને ગરીબ વિરોધી અને શ્રમ વિરોધી ગણાવ્યો છે.
કોંગ્રેસે ત્રણ માંગણીઓ કરી
આ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યું છે. તેમજ કહ્યું છે કોંગ્રેસે ત્રણ માંગણીઓ કરી છે. 1) વીબી-જી- રામ જી કાયદો પાછો ખેંચવો જોઈએ 2) મનરેગાને અધિકારો આધારિત કાયદા તરીકે પુનઃસ્થાપિત કરવો જોઈએ 3)કામ કરવાનો અધિકાર અને પંચાયતોનો અધિકાર પુનઃસ્થાપિત કરવો જોઈએ. મનરેગા કોઈ દાન નથી. તે એક કાનૂની ગેરંટી છે. લાખો ગરીબ લોકોને તેમના ગામડાઓમાં રોજગાર મળ્યો છે. મનરેગાએ ભૂખમરો અને સ્થળાંતર ઘટાડ્યું છે. તેમજ ગ્રામીણ વેતન વધાર્યું અને મહિલાઓના આર્થિક પગભર બનાવી છે.
આ પણ વાંચો : મનરેગા યોજના સમાપ્ત કરવાના પ્રયાસ સામે કોંગ્રેસે ખોલ્યો મજબૂત મોરચો, દેશમાં શરૂ કરશે મનરેગા બચાવો અભિયાન
કામદારો અને તેમના બંધારણીય અધિકારો પર હુમલો
તેમણે વધુમાં જણાવ્યું કે મનરેગા પર હુમલો કરોડો કામદારો અને તેમના બંધારણીય અધિકારો પર હુમલો છે. અમે પંચાયતથી લઈને સંસદ સુધી શાંતિપૂર્ણ અને મજબૂતાઈથી આનો વિરોધ કરીશું. કોંગ્રેસ પાર્ટીનું માનવું છે કે આ આંદોલન ઉદ્દેશ્ય મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) ને પુનઃસ્થાપિત કરવાનો અને નવા કાયદાને પાછો ખેંચવાનો છે.
નવા કાયદા હેઠળ રોજગાર હવે અધિકાર રહેશે નહીં
એક સંયુક્ત પત્રકાર પરિષદમાં, કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને જયરામ રમેશે જણાવ્યું હતું કે નવા કાયદા હેઠળ રોજગાર હવે અધિકાર રહેશે નહીં. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર મનરેગાને અધિકાર-આધારિત કાયદામાંથી સંપૂર્ણપણે કેન્દ્રિયકૃત કરવા માંગે છે. કોંગ્રેસ ઈન્ડી ગઠબંધન શાસિત રાજ્યોમાં નવા કાયદાનો અમલ નહીં કરે. આ અંગે કે.સી. વેણુગોપાલે કહ્યું કે તમામ સાથી પક્ષો સાથે ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ એક સામાન્ય રણનીતિ દ્વારા રાજકીય અને કાયદેસર રીતે આ કાયદાનો વિરોધ કરવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો : મનરેગા સમાપ્ત થવીએ એ આપણી નૈતિક નિષ્ફળતા છે; સોનિયા ગાંધીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી
વીબી- જી-રામ-જી બીલ અમલી
વિકાસ ભારત-ગેરંટેડ એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહૂડ મિશન બિલ, જેને VB-G-RAM-G એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે 18 ડિસેમ્બરે રાજ્યસભામાં હોબાળા વચ્ચે પસાર થયું હતું. 21 ડિસેમ્બરે રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા બાદ તે કાયદો બન્યો. આ કાયદો હાલના મનરેગાનું સ્થાન લેશે.



