
શિમલાઃ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મત આપનાર કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષે કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે. વિધાનસભા અધ્યક્ષના આ નિર્ણય બાદ આ ધારાસભ્યોની સદસ્યતા પણ રદ્દ કરવામાં આવી છે. કોંગ્રેસના આ છ ધારાસભ્યો વિરુદ્ધ આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે તેઓએ પાર્ટી દ્વારા જારી કરાયેલ વ્હીપનું પાલન નહોતું કર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ ધારાસભ્યોને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. જે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે તેમાં સુધીર શર્મા, રાજેન્દ્ર રાણા, દેવેન્દ્ર ભુટ્ટો, ઈન્દર લખન પાલ, રવિ ઠાકુર અને ચૈતન્ય શર્માનો સમાવેશ થાય છે.
છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના તેમના નિર્ણય પછી, વિધાનસભાના અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાએ જણાવ્યું હતું કે પાર્ટીએ ગઈકાલે ગૃહમાં નાણાં બિલ પર સરકારની તરફેણમાં મતદાન કરવા માટે વ્હિપ જારી કર્યો હતો. પરંતુ આ ધારાસભ્યોએ પાર્ટીના વ્હીપનું ઉલ્લંઘન કર્યું હતું. આ કારણોસર આ છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે વિધાનસભા અધ્યક્ષે ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ વિધાનસભાએ રાજ્યનું બજેટ પસાર કર્યું હતું.