પહેલગામ આતંકી હુમલા મુદ્દે કોંગ્રેસની બેઠક યોજાઈ, અમરનાથ યાત્રા બાબતે સરકારને કરી ટકોર

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા મુદ્દે કોંગ્રેસે દિલ્હીમાં કાર્યસમિતિની ખાસ બેઠક યોજી હતી. બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ પહેલગામ આતંકવાહી હુમલામાં જેમના મોત થયા તે લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન પણ પાળ્યું હતું. આ બેઠકમાં એક ખાસ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. કોંગ્રેસે કહ્યું કે, પાકિસ્તાને આ કાયર ષડયંત્ર રચ્યું છે અને દેશમાં લાગણીઓ ભડકાવવા માટે હિંદુઓને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસે સરકાર પર પણ સવાલ કર્યો હતો. કોંગ્રેસે ગુપ્તચર નિષ્ફળતાઓ અને સુરક્ષા ખામીઓની વાત કરતા સરકાર પાસેથી તપાસની માંગ કરી હતી.
કોગ્રેસે આતંકવાદી હુમલા મુદ્દે કેન્દ્ર સરકાર પર કર્યો સીધો સવાલ
સરકાર પર સવાલ કરતા પવન ખેડાએ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જેથી અહીંની સુરક્ષા કેન્દ્ર સરકારની જવાબદારી છે. એટલું જ નહીં પરંતુ પહેલગામને સુરક્ષિત વિસ્તાર કહેવમાં આવે છે, તેમ છતાં આતંકવાદી હુમલો થયો! કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રત્યક્ષ રીતે કેન્દ્રીય ગૃહ મંત્રાયલ હેઠળ આવે છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા મુદ્દે સરકાર પર સીધો સવાલ કરવામાં આવ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.
સરકાર અમરનાથ યાત્રા અંગે પહેલેથી જ વ્યવસ્થા સુનિશ્ચિત કરેઃ કોંગ્રેસ
મહત્વની વાત એ છે કે, આગામી અમરનાથ યાત્રા યોજાશે કે કેમ? તે પણ એક પ્રશ્ન છે. આ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા પવન ખેડાઓએ અમરનાથ યાત્રાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. કહ્યું કે, અમરનાથ યાત્રા દરમિયાન સરકાર દ્વારા પુરતી વ્યવસ્થાઓ કરવામાં આવે, જેથી યાત્રાળુઓને કોઈ સમસ્યાઓનો સામનો ના કરવો પડે. નોંધનીય છે કે, સરકાર અમરનાથ યાત્રા મામલે તૈયારી કરવી આવશ્યક છે. પહેલગામમાં થયેલા હુમલાને ધ્યાને લઈને કોઈ પણ પ્રકારનું જોખમ ના લેવું જોઈએ.
આપણ વાંચો: એક મુસ્લિમ તરીકે મને શરમ આવે છેઃ બોલિવુડ સંગીતકારે કરી ઈમોશનલ પૉસ્ટ
સોશિયલ મીડિયા દ્વારા આ મુદ્દે વિખવાદની વાતો ફેલાઈ રહી છેઃ કોંગ્રેસ
ખાસ કરીને વાત કરવામાં આવે તો, પવન ખેડાએ પાકિસ્તાનને પણ ખરીખોટી સંભળાવી હતી. કહ્યું કે, પાકિસ્તાને આ કાયર ષડયંત્ર રચ્યું છે અને દેશમાં લાગણીઓ ભડકાવવા માટે હિંદુઓને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યા છે. આ મામલે શાંતિ જાળવી રાખવા માટે કોંગ્રેસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ સાથે કોંગ્રેસે ભાજપ પર પણ સવાલ કર્યો અને કહ્યું કે આ હુમલા મામલે જમ્મુ અને કાશ્મીરના તમામ રાજકીય પક્ષો અને તેના નાગરિકોના એક મોટા વર્ગે નિંદા કરી છે. પરંતુ સોશિયલ મીડિયામાં જે રીતે અત્યારે વાતો ચાલી રહી છે તેનો કોંગ્રેસ વિરોધ કર્યો હતો. કોંગ્રેસે વિરોધ કરતા કહ્યું કે, ભાજપ સોશિયલ મીડિયા દ્વારા આ મુદ્દા વધારીને વિખવાદ અને વિભાજનને પ્રોત્સાહન આપી રહ્યાં છે. કોંગ્રેસે આ બેઠક દરમિયાન પાકિસ્તાનની ભારે નિંદા પણ કરી અને ભારતના તમામ લોકોને એક્તા રાખી શાંતિ જાળવવા માટે કહ્યું હતું.