નેશનલ

ઇન્ડિયા ગઠબંધન સાથે સીટ શેરિંગ માટે ટૂંક સમયમાં ચર્ચા કરશે કૉંગ્રેસ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી થવા આડે હવે થોડો જ સમય બાકી રહ્યો છે. આ ચૂંટણીમાં એનડીએ સરકારને હેટ્રીક કરતી રોકવા માટે 28 વિપક્ષી પાર્ટીઓ સાથે આવી છે. રાજકીય વર્તુળમાંથી એવી માહિતી સામે આવી રહી છે કે કૉંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં ઇન્ડિયા ગઠબંધનમાં સીટ વહેંચણી અંગે અન્ય પક્ષો સાથે ચર્ચા શરૂ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ કોંગ્રેસ વિપક્ષી દળો સાથે બેઠક કરશે અને સીટ શેરિંગ ફોર્મ્યુલા પર ચર્ચા કરશે. વાસ્તવમાં, લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ બનેલા 28 પક્ષોના ગઠબંધનમાં સીટની વહેંચણી પર હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી.

19 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને નવી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વિપક્ષના પીએમ પદના ચહેરા તરીકે કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ આગળ કર્યું હતું. જોકે, તે સમયે ખડગેએ જણાવ્યું હતું કે હાલમાં ઇન્ડિયા ગઠબંધનની પહેલી પ્રાથમિક્તા લોકસભાની ચૂંટણી જીતવાની છે. આ પહેલા ગુરુવારે જ મમતા બેનરજીએ સ્પષ્ટ કર્યું હતું કે પ. બંગાળમાં તેઓ એકલા હાથે ચૂંટણી લડશે. તેઓ કોઈની સાથે ગઠબંધન નહીં કરે.


ઇન્ડિયા ગઠબંધન ગઠબંધન સમગ્ર દેશમાં ભાજપ સામે લડશે, પણ પ. બંગાળમાં તો ટીએમસી કોઇ સાથે ગઠબંધન નહીં કરે. મમતા બેનરજીએ તો એક ડગલું આગળ વધીને પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષો અને કોંગ્રેસ પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો.

મહારાષ્ટ્રમાં પણ ઇન્ડિયા ગઠબંધનનું કોકડું ગુંચવાયેલું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ લોકસભાની ચૂંટણી માટે 23 સીટની માગણી કરી છે, જોકે, કૉંગ્રેસે તેમને આટલી બધી બેઠકો આપવા અનિચ્છા દર્શાવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button