
નવી દિલ્હીઃ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને ઠુકરાવીને કોંગ્રેસે અયોધ્યાના કાર્યક્રમને રાજકીય ગણાવીને હાજરી આપવાની ચોખ્ખી મનાઈ કરી છે. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનો સન્માનપૂર્વક અસ્વીકાર કરીએ છીએ. 22મી જાન્યુઆરીએ યોજાનારા કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અયોધ્યા જશે નહીં, એવું કોંગ્રેસે જણાવ્યું હતું.
અયોધ્યામાં યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીની હાજરી અંગે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકાયું છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને આરએસએસની ઈવેન્ટ ગણાવીને ત્યાં નેતાઓ હાજરી નહીં આપવાની જાહેરાત કરી છે. અયોધ્યાના કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે જ નહીં, પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ ગેરહાજર રહેશે. લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી પણ હાજરી આપશે નહીં, એવી જાહેરાત કરીને રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે કહ્યું હતું કે ગયા મહિના દરમિયાન કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી અને લોકસભાના કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીને અયોધ્યાનું નિમંત્રણ મળ્યું હતું. રામ ભગવાનનો પૂજાપાઠ કરોડો ભારતીયો કરે છે. ધર્મ મનુષ્યના વ્યક્તિગત વિષય હોય છે, પરંતુ ભાજપ અને આરએસએસે વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો એક રાજકીય વિષય બનાવ્યો છે.
આ અગાઉ તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મમતા બેનરજીએ ભાજપ પર સૌથી મોટો આરોપ મૂક્યો હતો. મમતા બેનજરીએ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન મારફત નાટક કરે છે. હું લોકોની ધાર્મિક ભાવનાઓને આધારે વિભાજન કરવામાં વિશ્વાસ રાખતી નથી. ઉપરાંત, સીપીઆઈ (એમ)ના નેતા સીતારામ યેચુરી પણ અયોધ્યાના નિમંત્રણનો અસ્વીકાર કરી ચૂક્યા છે.