Haryana ના ચૂંટણી પરિણામોથી નારાજ કોંગ્રેસ નેતાઓ ચૂંટણી પંચને મળ્યા, કરી VVPAT તપાસની માંગ
નવી દિલ્હી : હરિયાણા(Haryana)વિધાનસભા ચૂંટણીના પરિણામો પર અસંતોષ વ્યક્ત કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ બુધવારે ચૂંટણી પંચને મળ્યા હતા. આ બેઠકમાં પાર્ટીના સીનિયર નેતાઓએ ચૂંટણીમાં ગેરરીતિઓ અને ઈવીએમમાં ખામી હોવાના આક્ષેપો કર્યા હતા. તેમણે 20 થી વધુ ફરિયાદોને ટાંકીને બેઠકમાં 7 મુખ્ય વિસ્તારોમાંથી લેખિત ફરિયાદો પણ રજૂ કરી હતી. કોંગ્રેસ પાર્ટીનો આરોપ છે કે કેટલાક EVM મશીન 99 ટકા ક્ષમતા પર જોવામાં આવ્યા હતા. જે સામાન્ય સ્થિતિ નથી. કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે આ મશીનોની તાત્કાલિક તપાસ કરવા અને VVPAT સ્લિપને EVM સાથે મેચ કરવાની માંગ કરી છે. જેથી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર ઉભા થયેલા પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય.
મશીનો સીલ અને સુરક્ષિત રાખવામાં આવે
ચૂંટણી પંચ સાથેની બેઠક બાદ કોંગ્રેસના નેતા પવન ખેરાએ જણાવ્યું હતું કે, અમે ચૂંટણી પંચને 20 ફરિયાદો વિશે જાણ કરી હતી. જેમાંથી 7 ફરિયાદો 7 વિધાનસભા મતવિસ્તારોમાંથી લેખિત સ્વરૂપમાં છે. મતગણતરીના દિવસે, કેટલાક મશીનો 99 ટકા પર હતા. જ્યારે મશીનો 60-70 ટકા પર રહે છે. અમે માંગણી કરી છે કે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે મશીનો સીલ અને સુરક્ષિત રાખવામાં આવે.
કેવી રીતે EVM હેક થયા
ચૂંટણી પંચને મળ્યા બાદ હરિયાણા કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાને કહ્યું કે, “અમે ચૂંટણી પંચ સમક્ષ તમામ મુદ્દાઓ મુક્યા છે કે કેવી રીતે EVM હેક થયા છે. મુખ્ય પ્રધાન નાયબ સૈનીએ પોતે કહ્યું હતું કે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને અમે સરકાર બનાવીશું. શંકા છે કે જ્યારે આખો દિવસ બેટરીનો ઉપયોગ થાય છે, ત્યારે તેની ક્ષમતા 99 ટકા ન હોઈ શકે, અમે ઈચ્છીએ છીએ કે VVPAT (વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ) સ્લિપ ઈવીએમ સાથે મેચ કરવામાં આવે જેથી સત્ય બહાર આવી શકે.