રાહુલ ગાંધીનું પાટનગરમાં સરનામું બદલાશે, જાણો નવું એડ્રેસ?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ધાર્યા કરતા વધુ બેઠકો મળ્યા પછી વિપક્ષી પાર્ટી તરીકેનું કોંગ્રેસનું કદ વધ્યું છે, જ્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીનું પણ કદ વધ્યું છે. વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીના બંગલાનું એડ્રેસ ટૂંક સમયમાં બદલાશે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દિલ્હીમાં નવો બંગલો મળી ગયો છે. દિલ્હીના સુનહરી બાગ ખાતેના રોડ આવેલું છે. નવું ઘર લુટિયંસ દિલ્હીમાં હશે. બંગલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.
આ અગાઉ રાહુલ ગાંધીનું ઘર 12, તુગલક લેન નવી દિલ્હીમાં હતું. લોકસભાની રેસિડેન્શિયલ કમિટીએ ગૃહના વિપક્ષના નેતા રાહુલ ગાંધીના રહેઠાણ માટે બંગલા નંબર પાંચ-સુનહરી રોડનો પ્રસ્તાવ મૂક્યો છે. કમિટીની સાથે રાહુલ ગાંધીના સમર્થકોએ બંગલા અંગે સમર્થન આપ્યું છે.
રાહુલ ગાંધી તરફથી સમર્થન મળ્યા પછી તેઓ નવા બંગલામાં રહેવા જઈ શકે છે. કોંગ્રેસ મહાસચિવ અને રાહુલ ગાંધીનાં બહેન પ્રિયંકા ગાંધી પણ આજે બંગલા ખાતે પહોંચ્યા હતા. આ ટાઈપ 8 પ્રકારનો બંગલો છે, જે સામાન્ય રીતે કેબિનેટના પ્રધાનોને ફાળવવામાં આવે છે. રાહુલ ગાંધી અનેક વર્ષો સુધી 12 તુગલક લેનમાં રહેતા હતા, પરંતુ માનહાનિના કેસમાં દોષી ઠેરવતા સંસદ પદ ગુમાવ્યું હતું. એના પછી સોનિયા ગાંધીના બંગલા 10 જનપથ ખાતે રહેતા હતા.
આ વખતની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડથી જીત્યા હતા, ત્યારબાદ ગૃહમાં વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા. જોકે બે બેઠક પરથી જીત મેળવ્યા પછી વાયનાડની બેઠક છોડી હતી, જ્યાંથી બહેન પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે. હાલના તબક્કે રાહુલ ગાંધી 10 જનપથ સ્થિત બંગલોમાં રહે છે.