ટોપ ન્યૂઝનેશનલ

પી ચિદમ્બરમે પીએમ મોદીની યુદ્ધનીતિની કરી પ્રશંસા, કહ્યું- ભારતનો જવાબ એક સંદેશ છે

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની શનિવારે સાંજે જાહેરાત કરવામાં આવી હતી. આ પછી ગુજરાત સહિત પાકિસ્તાનની બોર્ડર ધરાવતાં રાજ્યોમાં હાલ શાંતિનો માહોલ છે. સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીને આતંકવાદ સામે ભારત કડક કાર્યવાહી કરશે તેવો સંદેશ આપ્યો હતો.

પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધવિરામ વચ્ચે હવે પીએમ મોદીની નીતિઓની ખૂબ પ્રશંસા થઈ રહી છે. કોંગ્રેસના નેતા અને દેશના પૂર્વ નાણા પ્રધાન લા પી ચિદમ્બરમે પણ પીએમ મોદીની યુદ્ધ નીતિની પ્રશંસા કરી છે. પોતાના કૉલમમાં તેમણે પીએમ મોદીની નેતૃત્વ ક્ષમતાને ખૂબ વખાણી છે. તેમણે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલા જવાબને બુદ્ધિમાન અને સંતુલિત ગણાવ્યો છે.

તેમણે પોતાના કૉલમમાં લખ્યું છે કે 22 એપ્રિલે પહલગામમાં થયેલા પ્રવાસીઓ પરના આતંકવાદી હુમલા બાદ દેશમાં આક્રોશ હતો. દરેક વ્યક્તિ આ આતંકવાદી ઘટના બાદ બદલો લેવાની માંગ કરી રહ્યા હતા. આવા માહોલમાં સરકારે સૈન્ય કાર્યવાહીનો રસ્તો પસંદ કરીને એક મોટું યુદ્ધ ટાળી દીધું છે. તેમણે આગળ કહ્યું કે ભારતે જે કાર્યવાહી કરી તે અત્યંત મર્યાદિત અને સુનિયોજિત હતી. જેનો ઉદ્દેશ્ય આતંકવાદી સંગઠનોના માળખાને નષ્ટ કરવાનો હતો. ચિદમ્બરમે પોતાના કૉલમમાં આ કાર્યવાહીને વડાપ્રધાન મોદીનું સમજદારીભર્યું પગલું ગણાવ્યું છે.

એરસ્ટ્રાઇકની પણ પ્રશંસા કરી

ચિદમ્બરમે પોતાના આર્ટિકલમાં ભારતીય સેના દ્વારા 7 મેના રોજ કરવામાં આવેલી એરસ્ટ્રાઇકની પણ પ્રશંસા કરી છે. તેમણે લખ્યું કે ભારતીય સેનાની કાર્યવાહી કાયદેસર અને લક્ષ્ય કેન્દ્રિત હતી. ભારતીય સેનાએ પોતાની એરસ્ટ્રાઇક દરમિયાન સૈન્ય અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા નહોતા. ભારતીય સેનાના આ પગલાં બાદ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ જેવા આતંકવાદી જૂથો સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયા છે તેમ માની લેવું થોડું ઉતાવળભર્યું હશે.

આપણ વાંચો:  યુદ્ધવિરામ પછી ગુજરાતના સરહદી જિલ્લાઓમાં કેવી છે સ્થિતિ? જાણો વિગત

મીડિયા બ્રીફિંગમાં મહિલા સૈન્ય અધિકારીઓને લઈ શું કહ્યું?

ચિદમ્બરમે મોદી સરકારની પારદર્શિતાની પ્રશંસા કરતાં કહ્યં, મીડિયા બ્રીફિંગમાં મહિલા સૈન્ય અધિકારીઓને સામે લાવવું એક સ્માર્ટ પગલું હતું. જોકે તેણે વડા પ્રધાન પર પણ સવાલ ઉઠાવ્યા અને લખ્યું, તેઓ ન તો પીડિત પરિવારને મળ્યા કે ન તો સર્વપક્ષીય મીટિંગમાં સામેલ થયા હતા.

આ ઉપરાંત પાકિસ્તાનની સ્થિતિ પર તેમણે લખ્યું, ત્યાં નિર્ણય લેવાનો અધિકાર ચૂંટાયેલી સરકાર, સેના કે આઈએસઈ પૈકી કોની પાસે છે? પાકિસ્તાન યુદ્ધ ઈચ્છે છે અશાંતિ તેનો નિર્ણય ખુદ કરવાનો છે. આગામી દિવસો પડકારભર્યા હશે. સરહદ પર તણાવ, ક્યારેક ક્યારેક ગોળીબાર અને અસ્થિરતાના માહોલ રહી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button