ગુજરાત બાદ હવે દિલ્હીમાં પણ મોર્નિંગ વોક પર નીકળેલા કોંગ્રેસ નેતાની ગોળીઓ ઝીંકી હત્યા | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

ગુજરાત બાદ હવે દિલ્હીમાં પણ મોર્નિંગ વોક પર નીકળેલા કોંગ્રેસ નેતાની ગોળીઓ ઝીંકી હત્યા

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના માલવિય નગરમાં મોર્નિંગ વોક પર નીકળેલા કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા અને વ્યાપારીની જાહેરમાં ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક લખપત સિંહ કટારિયા કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે. પોલીસે આ સંબંધમાં હત્યા નો કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે માલવીય નગરના બેગમપુરના રહેવાસી ૫૫ વર્ષીય લખપત સિંહ કટારિયા સવારે પાર્કમાં નીકળ્યા હતા. ડીસીપી અંકિત ચૌહાણે આ ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે હુમલાખોરોએ પહેલા તેમને ક્રિકેટ બેટથી માર માર્યો હતો અને ત્યારબાદ તેમના પર ૪ ગોળીઓ ફાયર કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

સવારે મોર્નિંગ વોક કરી રહેલા અન્ય લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કટારિયાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. લખપત સિંહ કટારિયા રાજકીય રીતે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા.

પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે આ હત્યા પાછળ પ્રોપર્ટી (સંપત્તિ) વિવાદ જવાબદાર હોઈ શકે છે. પોલીસે આ સંબંધમાં હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની ઓળખ કરી લીધી છે અને તેમને ઝડપી પાડવા માટે જુદા-જુદા વિસ્તારોમાં દરોડા પાડી રહી છે. મૃતકના પરિવારમાં તેમના પત્ની વીરમતી અને બે બાળકો છે.

મહિના પહેલા ગુજરાતમાં થઈ કોંગ્રેસ નેતાની હત્યા

ઉલ્લેખનીય છે કે ઓગષ્ટ મહિનામાં ગુજરાતના આણંદના બાકરોલમાં કોંગ્રેસના નેતાની ધોળા દિવસે જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ મલેક ઉર્ફે બાલા મોર્નિંગ વોક પર નીકળ્યા હતા તે દરમિયાન બાકરોલમાં આવેલ તળાવ નજીક ચપ્પુના ઘા ઝીંકીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. હાલ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી વિગતો અનુસાર આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસના કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની ઘત્કરી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. કોંગ્રેસનાં નેતા ઇકબાલ મલેક તેમના નિત્યક્રમ અનુસાર મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ બાકરોલ તળાવ નજીક વોક કરી રહ્યા હતા તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સો તેમની નજીક આવ્યા હતા અમે તેમની સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ દરમિયાન અજાણ્યા શખસોએ ચપ્પુના ઘા ઝીંકીને કોંગ્રેસ નેતાની હત્યા કરી દીધી હતી.

આ પણ વાંચો…પટનામાં RJD નેતાની ગોળી મારી હત્યા; ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા પર સવાલ…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button