રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કરવા બદલ કાંગ્રેસના નેતા જ કાંગ્રેસ પર ભડક્યા….

અયોધ્યા: અયોધ્યામાં રામ લલ્લાની મૂર્તિના અભિષેક કાર્યક્રમ માટેના આમંત્રણનો અસ્વીકાર કર્યા બાદ કોંગ્રેસ અને તેના જ નેતાઓ વચ્ચે જ ફૂટ પડી છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ તરફથી રામ મંદિરને લઈને સતત બીજા દિવસે પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારે હવે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ સિંહે કોંગ્રેસના મોટા નેતાઓએ જે રીતે આમંત્રણનો અસ્વીકાર કર્યો એ બાબત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. અને કહ્યું કે આમંત્રણનો અસ્વીકાર કર્યો છે તો હવે પરિણામ ભોગવવા પણ તૈયૈર રહેજો.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ સિંહે કહ્યું હતું કે જેઓ રામ મંદિર આંદોલનમાં લડ્યા હતા તેઓ રામ મંદિરનો નિર્ણય લેશેજ. એ બાબત સ્પષ્ટ છે. અને જ્યાં સુધી આમંત્રણની વાત છે, તેનો અસ્વીકાર કરાવાનો કોઈ અર્થ નથી. આ રીતે આમંત્રણનો અસ્વીકાર કરીને લોકોને શું સંદેશ આપી રહ્યા છે? જ્યારે રાજીવ ગાંધીએ જ રામ મંદિરનું તાળું ખોલાવ્યું હતું તો કાંગ્રેસ કેવી રીતે આમંત્રણનો અસ્વીકાર કરી શકે? જો આવા સલાહકારો રાખશે તો પરિણામો એવા જ આવશે જે આપણે અત્યાર સુધી જોયા છે. અને જે નુકસાન થયું છે, તે આગામી લોકસભાની ચૂંટણીમાં દેખાશે.
આ ઉપરાંત લક્ષ્મણ સિંહે એમ પણ જણાવ્યું હતું કે યુપીના તત્કાલિન સીએમ વીર બહાદુર સિંહે રામ મંદિર માટે 46 એકર જમીન આપવાની વાત પણ કરી હતી. તેમજ તેમને ભવ્ય રામ મંદિર બનાવવાની વાત કરી હતી. કમનસીબે તેઓ પદ પરથી હટી ગયા. અને આ દરમિયાન જ રાજીવજીની હત્યા થઈ. અને ત્યારબાદ દેશભરના સ્થાનિક અને સંતોએ આ યુદ્ધ લડ્યું. બુદ્ધિજીવીઓ જોડાયા હતા. પત્રકારો જોડાયા હતા. રાજકીય પક્ષો જોડાયા. અને ઘણી લાંબી લડાઈ બાદ રામ મંદિરનું નિર્માણ શરૂ થયું.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશની તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં લક્ષ્મણ સિંહ ગુના જિલ્લાની ચાચૌડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. પરંતુ આ વખતે તે હારી ગયા હતા. આ સીટ પર બીજેપીની પ્રિયંકા મીણાએ 61570 વોટથી જીત મેળવી હતી.