કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે કહ્યું કે અયોધ્યા જતા લોકોને કડક સુરક્ષા આપો, નહીં તો ગોધરા…..
અયોધ્યા: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાન તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા બીકે હરિપ્રસાદે આ સમારોહને એક રાજકીય ઘટના ગણાવતા અયોધ્યાના આ સમારોહમાં ગોધરા જેવી ઘટના બને તેવી આશંકા વ્યક્ત કરી હતી.
કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે રામ મંદિરનું ઉદ્ઘાટન કોઈ ધાર્મિક કાર્યક્રમ નથી તે એક રાજકીય કાર્યક્રમ છે. જો તે ધાર્મિક કાર્યક્રમ હોત તો અમે અને બીજા ઘણા લોકોએ ભાગ લીધો હોત. તેમણે કહ્યું હતું કે આ સમારોહમાં રાજકારણ સામેલ છે કારણ કે પીએમ મોદી તેનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.
જો આ સમારોહ ધાર્મિક કાર્યક્રમ હોત તો હિંદુ ધર્મગુરુ શંકરાચાર્ય, તેમના અનુયાયીઓ અને અન્ય ધાર્મિક ગુરુઓએ તેમાં ભાગ લીધો હોત. અમે પણ ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાગ લઈએ છીએ. ત્યારે ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે અમિત શાહ કયા ધર્મગુરુ છે?
તેમને તેમના નિવેદનમાં કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહેલા કાર સેવકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે જે લોકો અયોધ્યા જઈ રહ્યા છે, તેમને સરકારે કડક સુરક્ષા આપવી જોઈએ, નહીં તો ગોધરા કાંડ જેવી ઘટના બની શકે છે, કારણ કે ગોધરામાં પણ આ જ રીતે ઘટના બની હતી.
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈપણ સરકારની મૂળભૂત ફરજ તેમની જનતાના જીવન અને સંપત્તિની સુરક્ષા કરવાનો છે. જ્યારે તમે ભાજપનો ઈતિહાસ જુઓ તો તમને ગોધરા અને પુલવામા જેવી ઘટનાઓ જ યાદ આવશે. તો આટલેથી જ ના અટક્યા તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપ એક રીઢા ગુનેગાર જેવું છે અને તે જનતા સાથે કંઈ પણ કરી શકે છે.