ત્રણેય રાજ્યોમાં નવા ચહેરાના કારણો આપ્યા કૉંગ્રેસે અને કહ્યું કે…

ભાજપએ ત્રણ રાજ્યોમાં નવા ચહેરા આપીને સૌને ચોંકાવ્યા છે. જે તે રાજ્યની જનતાની સાક્ષે પક્ષના નેતાઓ, વિધાનસભ્યો માટે પણ અનપેક્ષિત એવા નામ પક્ષએ જાહેર કરતા ફરી ચર્ચાઓ ગરમાઈ છે. જોકે જાહેરમાં કોઈ વિરોધ થયાના કે નારાજગીના સામાચારો નથી, પરંતુ પક્ષમાં અસંતોષ હોવાનું ચર્ચાઈ છે. ભાજપએ જ્ઞાતિ અને જે તે રાજયોમાં વર્ચસ્વ ધરાવાત સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા ચહેરા પસંદ કર્યા છે. આ બધા વચ્ચે કૉંગ્રેસએ ભાજપની ચૂટકી લીધી છે. કૉંગ્રસએ નવા ને ઓછા જાણીતા ચહેરા ચહેરાને પસંદ કરવા પાછળ મોદી-શાહની તાનાશાહી અને એકહથ્થા શાસનને જવાબદાર ગણાવ્યું છે.
કૉંગ્રેસનાં નેતા સુપ્રિયા શ્રીનેતએ ટ્વીટ કરી લખ્યું છે કે ભાજપ કોને મુખ્ય પ્રધાન બનાવે અને કોને નહીં તે તેમનો અંગત મામલો છે, પરંતુ ત્રણ મુખ્ય પ્રધાનની પસંદગી બાદ એક વાત નક્કી થઈ છે કે પક્ષમાં કોઈ પણ પીએમ નરેન્દ્ર મોદીને પડકાર ફેંકનારો જણાય તો તેનું કરિયર ખતમ કરી નાખવામાં આવે છે. ચૂંટાઈને આવેલા વિધાનસભ્યોનો નહીં, પણ મોદી-શાહનો નિર્ણય જ પક્ષ પર થોપવામાં આવશે. આ ત્રણેય સાહેબની કટપુતલી બનીને કામ કરશે અને ક્યારેક કંઈક થયું તો તેમને તગેડી મૂકવામાં આવશે, જેમ આસામ, ગુજરાતમાં થયું છે. ભાજપમાં લોકતંત્ર પૂરું થઈ ગયું છે અને માત્ર બે લોકોની મનની મરજી ચાલે છે. તેમણે ભાજપને ટોણો મારતા એમ પણ લખ્યું છે કે અડવાણી, શૌરી, સિન્હા જેવા નેતાઓને માર્ગદર્શક મંડળમાંથી ખસેડી દેવામાં આવ્યા તો પછી આ નેતાઓની તો શું વાત કરવાની.
કૉંગ્રેસના નેતા બીવી શ્રીનિવાસએ વીડિયો શેર કર્યો છે જેમાં રાજસ્થાન ખાતે બેઠકમાં કેન્દ્રીય પ્રધાન અને ઓબ્ઝર્વર રાજનાથ સિંહ વસુંધરા રાજેને ચીટ્ઠી આપે છે અને તે જોઈને રાજે ચોંકી ગયા હોય તેવા ભાવ દેખાડે છે. મુખ્ય પ્રધાન બનવા માટે રાજેએ ઘણા પ્રયત્નો કર્યા હતા. શિવરાજસિંહ ચૌહાણ, રમન સિંહ અને રાજે ત્રણેયને પક્ષએ વીઆરએસ આપી દીધું હોવાના મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. જોકે કૉંગ્રેસની ટ્વીટ બાદ રાજકીય નિરિક્ષકોએ એવી ટીકા પણ કરી છે કે શિવરાજ એ જ છે જેમના રાજમાં વ્યાપમ જેવા કૌભાંડો બહાર આવ્યા તો શું કૉંગ્રેસ એમને અને રાજને મુખ્ય પ્રધાન બનાવવા માગે છે.