નેશનલ

ચૂંટણી પંચ પારદર્શિતાથી આટલું કેમ ડરે છે? જયરામ રમેશે ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: કોંગ્રેસે ફરી એકવાર ભારતીય ચૂંટણી પંચ (ECI) પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે સીસીટીવી ફૂટેજ, વેબકાસ્ટિંગ રેકોર્ડિંગ્સ અને ઉમેદવારોના વિડિયો ફૂટેજના નિરીક્ષણ સહિત ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ અંગેના કેટલાક નિયમોમાં ફેરફાર કરવા બદલ ECIની ટીકા કરી છે. કોંગ્રેસે ECI પર ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાને નુકશાન પહોંચાડવાનો પણ આરોપ લગાવ્યો. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે પંચ ચૂંટણી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે.

જયરામ રમેશે X પરની પોસ્ટમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના તાજેતરના નિર્ણયનો ઉલ્લેખ કર્યો છે. કોર્ટે ચૂંટણી પંચને પારદર્શિતા જાળવવા માટે તમામ જરૂરી માહિતી લોકો સાથે શેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લોકો સાથે માહિતી શેર કરવાથી માત્ર વિશ્વાસ પુનઃસ્થાપિત થતો નથી, પરંતુ એ કાયદાકીય રીતે પણ જરૂરી છે.

ચૂંટણી પંચ ડરે છે કેમ?
જયરામ રમેશે આરોપ લગાવ્યો કે કોર્ટના નિર્ણયને અનુસરવાને બદલે ચૂંટણી પંચે માહિતીના આદાનપ્રદાનને મર્યાદિત કરવા કાયદામાં ઉતાવળે સુધારા કર્યા છે. પંચના નિર્ણયો પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે ચૂંટણી પંચ પારદર્શિતાથી આટલું ડરે છે કેમ?

ECIને કોર્ટમાં લઇ જશે:
જયરામ રમેશે વધુમાં કહ્યું કે, પંચના આ પગલાને ટૂંક સમયમાં કાયદાકીય રીતે પડકારવામાં આવશે.ચૂંટણી પંચનું આ વલણ લોકતાંત્રિક પ્રક્રિયાઓને નબળી પાડે છે.

નોંધનીય છે કે વિપક્ષ અગાઉ અનેક વખત ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠાવી ચુક્યું છે. જયરામ રમેશના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાની જવાબદારી ચૂંટણી પંચની છે અને કોઈપણ પ્રકારની બેદરકારી લોકશાહીને નુકસાન પહોંચાડી શકે છે.

જયરામ રમેશની આ પોસ્ટે પંચની પારદર્શિતા અને જવાબદારી પર મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે. ચૂંટણી પંચ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button