નેશનલ

રાજસ્થાનમાં કૉંગ્રેસ ગુર્જરોનું અપમાન કરે છે: વડા પ્રધાન મોદી

જયપુર: રાજસ્થાનમાં કૉંગ્રેસને સત્તા મળી તે પછી કૉંગ્રેસ માટે જીવન સમર્પિત કરનારા ગુર્જરના પુત્રને દૂધમાંથી માખીની જેમ કાઢી મૂકવામાં આવ્યો હતો તેવું વડા પ્રધાન મોદીએ ગુરુવારે કહ્યું હતું. રાજેશ પાયલટ અને તેમના પુત્ર સચિન પાયલટનો મોદીએ ઉલ્લેખ કર્યો હતો.
રાજસમંદમાં એક રેલીને સંબોધન કરતા મોદીએ કહ્યું કે ‘ગુર્જર પુત્ર રાજકારણમાં કંઈક બનવા સંઘર્ષ કરે છે, પક્ષ માટે જીવન સમર્પિત કરે છે અને સત્તા મેળવ્યા પછી તેમને દૂધમાંથી માખીની જેમ ફેંકી દેવામાં આવે છે. દિવંગત રાજેશ પાયલટ સાથે પણ તેમણે તેવું જ કર્યું હતું અને હવે તેમના પુત્ર સાથે પણ તેવું જ થઈ રહ્યું છે. ભૂતકાળમાં પણ અને હાલમાં પણ કૉંગ્રેસ ગુર્જરોનું અપમાન કરે છે. હાલની કૉંગ્રેસ સરકાર જેટલી ‘મહિલા – વિરોધી’ સરકાર કોઈ દિવસ રાજસ્થાનમાં સત્તા પર ન હતી તેવું મોદીએ કહ્યું હતું.
સચિન પાયલટ ૨૦૧૮ની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી વખતે રાજસ્થાન કૉંગ્રેસના પ્રમુખ હતા. ચૂંટણી પછી અશોક ગહલોત મુખ્ય પ્રધાન બન્યા હતા અને સચિન પાયલટ નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા. સચિન પાયલટે જ્યારે ગહલોતના નેતૃત્વ સામે બળવો કર્યો હતો તે પછી સચિન પાયલટે બંને પદ ગુમાવવા પડ્યા હતા.
સચિન પાયલટ ગુર્જર નેતા છે અને ગુર્જરોના સમર્થનથી કૉંગ્રેસને સત્તા મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button