INDIA Alliance: મમતા બેનર્જી બાદ આ પાર્ટીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે
ચંડીગઢ: લોકસભા ચૂંટણીમાં ભાજપ અને સાથી પક્ષોને પરાસ્ત કરવાના ઈરાદે રચાયેલા INDIA ગઠબંધનને એક દિવસમાં બે મોટા ઝટકા લાગ્યા છે. પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ(TMC)એ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, હવે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને કોંગ્રેસ સાથે સીટ શેર ન કરવાની જાહેરાત કરી છે.
ભગવંત માને જણાવ્યું કે આમ આદમી પાર્ટી(AAP) 13 સીટો પર ચૂંટણી લડશે. 13 બેઠકો માટે 40 નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારો અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે.
ગઠબંધનમાં મતભેદની અટકળો બાદ હવે સ્પષ્ટ થઇ ગયું છે કે સાથી પક્ષો સાથે કોંગ્રેસ સીટ શેરીંગ માટે સમાધાન કરવા નિષફળ રહી છે. કોંગ્રેસે હજુ સુધી મમતા બેનર્જી કે ભગવંત માનના નિવેદનોનો અંગે જવાબ આપ્યો નથી.
અગાઉ, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમની પાર્ટી રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડશે. મમતાએ સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટીને કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નથી. મમતા બેનર્જીએ બુધવારે જાહેરાત કરી હતી કે તૃણમૂલ કોંગ્રેસ બંગાળની 42 લોકસભા સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. ચૂંટણી પરિણામો આવ્યા બાદ જ કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે વિચારણા કરશે.
તૃણમૂલ કોંગ્રેસ અને AAP દ્વારા તેમના ગઢમાં એકલા ચૂંટણી લડવા ઈચ્છે છે, જયારે કોંગ્રેસે કેટલીક સીટની માંગણી કરી હતી.