રામ મંદિરના ઉદ્ધાટનના આમંત્રણને લઈને કોંગ્રેસમાં આંતરિક સંઘર્ષ?
નવી દિલ્હી: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્ર્મમાં સામેલ નહીં થવાના નિર્ણય પર કોંગ્રેસમાં આંતરિક સંઘર્ષ થવા લાગ્યો છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર અને પ્રમોદ કૃષ્ણમે 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા નહીં જવાના કોંગ્રેસના નિર્ણય પર પ્રશ્ન ઊભો કર્યો છે. કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યુ હતું કે ભગવાન શ્રીરામ મંદિરના આમંત્રણને નકારવું એ આત્મઘાતી નિર્ણય છે. ગુજરાતના કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, પાર્ટીએ રાજનીતિક નિર્ણયો લેતા બચવું જોઈતું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે એ વાત સાફ સાફ કહી છે કે એ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ નહિ થાય. આ વાતને લઈને કોંગ્રેસમાં આંતરિક સંઘર્ષ વધી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ જ આ વાતનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે ભગવાન રામ દેશના લોકો માટે આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કોંગ્રેસના નેતા અમરીશ ડેરે તેમના એક્સ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું છે કે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ આપણા આરાધ્ય દેવ છે અને એ સ્વાભાવિક છે કે લાખો લોકોની શ્રદ્ધા અને આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. કોંગ્રેસે કેટલાક લોકોને એ ખાસ પ્રકારના નિવેદનોથી દૂર રાખવા જોઈએ. આવા નિવેદનો મારા જેવા ગુજરાત કોંગ્રેસના ઘણા કાર્યકર્તાઓ માટે નિરાશાજનક છે.
ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પોરબંદરના વિધાનસભ્ય અર્જુન મોઢવાડિયાએ એક્સ પર લખ્યું કે, ભગવાન શ્રીરામ આરાધ્ય છે. તેમની સાથે લોકોની આસ્થા અને વિશ્વાસ જોડાયેલા છે. કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયોથી દૂર રહેવું જોઈએ. ઉત્તર પ્રદેશના કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પણ સવાલ કર્યો કે, ભગવાન રામ અને રામ મંદિર બધાના છે. રામ મંદિરની ઈવેન્ટને ભાજપ, આરઆરએસ, વીએચપી કે પછી બજરંગ દળનું માની લેવું ખરેખર દુર્ભાગ્યની વાત છે. મને ખાતરી છે કે કોંગ્રેસ હિન્દુ કે પછી રામ વિરોધી પક્ષ નથી. કેટલાક લોકો છે જેમણે આ પ્રકારનો નિણર્ય લેવડાવવાની ભૂમિકા ભજવી છે. આ ખૂબ જ ગંભીર વિષય છે. આજે મારું દિલ તૂટી ગયું છે. મારા જેવા કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓનું દિલ દુભાયું છે. જે ભગવાન રામમાં શ્રદ્ધા રાખે છે. કોંગ્રેસ એ પાર્ટી છે જે મહાત્મા ગાંધીના રસ્તે ચાલે છે. કોંગ્રેસ એ પાર્ટી છે જેના નેતા રાજીવ ગાંધીએ જ આ રામ મંદિરનું શિલાન્યાસ અને રામ મંદિરના તાળા ખોલાવ્યા હતા. ભગવાન શ્રીરામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર એ ખૂબ જ દુઃખદ, પીડાદાયક અને કષ્ટદાયક વાત છે.
દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષના નિવેદનને જોયા કે સમજ્યા વિના કેટલાક લોકો જાણી જોઈને રામ મંદિરના આમંત્રણ અંગે જુઠ્ઠાણુ ચલાવે છે. દેશના લોકોની ભગવાન શ્રી રામની આસ્થાની સાથે કોંગ્રેસ પક્ષ પણ છે. રામ મંદિરને રાજકીય મુદ્દો બનાવી જે મંદિરનું કામ હજુ પૂર્ણ થયું નથી તેનું માત્ર ચૂંટણી આવતી હોય પ્રતિષ્ઠા ખોટા સમયે થઈ રહી છે. મંદિર પૂર્ણ થયા વિના પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી. વાસ્તવમાં ભાજપ રાજકીય ફાયદા માટે કાર્યક્રમનું આયોજન કરી રહી છે, તેથી તેનો હિસ્સો થઈ શકાય નહીં, એમ તેમણે જણાવ્યું હતું.