બેંગલુરુ: કર્નાટકના MUDA કોભાંડ બાબતે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે, ભાજપ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા(Siddaramaiah)ના રાજીનામાંની જોરશોરથી માંગ કરી રહ્યું છે. એવામાં મળતા અહેવાલ મુજબ કર્ણાટક કોંગ્રેસ (Karnataka Congress) રાજ્યમાં મોટા ફેરફારની જાહેરાત કરી શકે છે, કોંગ્રેસ હાઈકમાન્ડ આ બબાતે ગંભીરતાથી ચર્ચા કરી રહ્યું છે. એવી પણ અટકળો છે કે સિદ્ધારમૈયાને મુખ્ય પ્રધાન પદ પરથી હટાવવામાં આવી શકે છે. જોકે, પાર્ટીએ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
વિપક્ષ તરફથી પણ મુખ્ય પ્રધાન બદલવા માટે દબાણ બનાવવામાં આવી રહ્યું છે. એવામાં એક અખબારી અહેવાલ મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડ વિવાદથી બચવા માટે સર્વસંમતિથી નવા મુખ્ય પ્રધાન ઉમેદવારની પસંદગી કરવાનું વિચારી રહી છે. હાઈકમાન્ડ એ ચર્ચા કરી રહ્યું છે કે સિદ્ધારમૈયાના સ્થાને નાયબ મુખ્યપ્રધાન ડીકે શિવકુમારને કમાન સોંપવામાં આવે કે પછી અન્ય કોઈ નેતાને તક આપવામાં આવે. એવી પણ અટકળો છે કે રાજ્યના કેટલાક નેતાઓએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મુખ્ય પ્રધાન બનાવવા આગ્રહ કર્યો છે.
રિપોર્ટ અનુસાર સિદ્ધારમૈયાની જગ્યાએ શિવકુમારનું નામ આગળ ચાલી રહ્યું છે. હાઈકમાન્ડ પછાત વર્ગના નેતાના નામ વિષે પણ વિચાર કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ પીડબલ્યુડી પ્રધાન સતીશ જરકીહોલીનું નામ પણ ચર્ચામાં છે. અહેવાલ છે કે જરકીહોલી રવિવારે વરિષ્ઠ નેતાઓને મળવા નવી દિલ્હી પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની પાસે 30 થી વધુ વિધાનસભ્યોનું સમર્થન છે, જેમાંથી 15 અનુસૂચિત જનજાતિ સમુદાયના છે. એવા અહેવાલ છે કે ગૃહ પ્રધાન ડૉ. જી. પરમેશ્વરા સાથે પણ ચર્ચા થઇ રહી છે. હાલમાં પાર્ટીએ સત્તાવાર રીતે કંઈ જાહેર કર્યું નથી.