હજુ તો ગામ વસ્યુ નથી ને… કૉંગ્રેસમાં સીએમ બનવા માટે ઝપાઝપી શરૂ

કૉંગ્રેસ તેના જૂથવાદને લઈને જગપ્રસિદ્ધ છે. અંદરોઅંદરની લડાઈએ જ કૉંગ્રેસને નબળી કરી નાખી છે તે સૌ કોઈ જાણે છે, પણ હજુએ આ સમસ્યામાંથી પક્ષ બહાર આવી શક્યો નથી. હજુ તો પાંચ રાજ્યની ચૂંટણીઓના મતદાન પણ પૂરા નથી થયા ત્યાં મુખ્ય પ્રધાન બનવાની હોડ ચાલી રહી છે. ચૂંટણીના પરિણામો પહેલા જ મુખ્ય પ્રધાન ની ખુરશીને લઈને કોંગ્રેસમાં લડાઈ શરૂ થઈ ગઈ છે.
હાલમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો તબક્કો ચાલી રહ્યો છે. પરિણામ આવવામાં હજુ ઘણો સમય છે, પરંતુ કોંગ્રેસનો આંતરિક કલહ અત્યારથી જ પ્રકાશમાં આવવા લાગ્યો છે. આમ તો આ આગા તેલંગણાને બાદ કરતા બધા રાજ્યમાં અંદરખાને લાગેલી જ છે, પરંતુ છત્તીસગઢમાં પહેલો ધુમાડો જોવા મળ્યો છે.
મધ્યપ્રદેશમાં ભાજપએ સત્તા ઝૂટવી એટલે સાથે લડાઈ સમાપ્ત થઈ, પરંતુ રાજસ્થાન અને છત્તીસગઢમાં લાંબા સમય સુધી ચાલુ રહી. રાજસ્થાનમાં અશોક ગેહલોતે સચિન પાયલટને પોતાની સરકારની આસપાસ ફરવા પણ ન દીધા, પરંતુ છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ ટીએસ સિંહ દેવને ડેપ્યુટી સીએમ બનાવવા માટે રાજી થઈ ગયા.
હવે એ જ ટીએસ સિંહ દેવે ચૂંટણીના પરિણામો આવે તે પહેલા જ પોતાના અધિકારની માંગણી શરૂ કરી દીધી છે. વર્લ્ડ કપ ક્રિકેટને ટાંકીને, ટીએસ સિંઘદેવ પહેલાથી જ છત્તીસગઢના મુખ્ય પ્રધાન પદનો દાવો કરી ચૂક્યા છે – અને તક જોઈને, મોહમ્મદ શમીનું નામ લઈને, તે છત્તીસગઢના મામલામાં પોતાને મેન ઓફ ધ મેચ ગણાવે છે.
ટીએસ સિંહ દેવ માટે ખરાબ બાબત એ છે કે પ્રિયંકા ગાંધીએ પહેલાથી જ કોંગ્રેસના વિવાદોથી પોતાને દૂર કરી લીધા છે. જો પ્રિયંકા ગાંધી કોંગ્રેસના વિવાદો નહીં ઉકેલે તો કોંગ્રેસમાં ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં તેમની શું ભૂમિકા છે.
2018 માં, જ્યારે કોંગ્રેસ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી જીત્યા પછી સરકાર બનાવવાનો દાવો કરવાની તૈયારી કરી રહી હતી, ત્યારે ભૂપેશ બઘેલની સાથે, ટીએસ સિંહ દેવ પણ મુખ્ય પ્રધાન પદ માટે સમાન દાવેદાર હતા. જેમ મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજસ્થાનમાં સચિન પાયલટ હતા. રાજસ્થાનમાં ગાંધી પરિવારે સચિન પાયલટને ડેપ્યુટી સીએમ પણ બનાવ્યા હતા, પરંતુ છત્તીસગઢમાં ટીએસ સિંહ દેવને ભૂપેશ બઘેલ કેબિનેટમાં માત્ર કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાના હિસ્સામાં કંઈ આવ્યું ન હતું.
જોકે છત્તીસગઢમાં હાલના મુખ્ય પ્રધાન ભુપેશ બઘેલનું નામ મહાદેવ એપના કૌભાંડમાં લેવાઈ રહ્યું છે આથી શું થાય તે જોવાનુપં રહ્યું, પરંતુ કૉંગ્રેસના નેતાઓ જો ચૂંટણીના પરિણામો સુધી રાહ જુએ તો તેમની મહેનત પણ લેખે લાગે.