સબરીમાલામાં ભક્તોને થતી પરેશાની પર કોંગ્રેસે સરકાર પર શિથિલતાનો આરોપ લગાવ્યો….

તિરુવનંતપુરમ: ભગવાન અયપ્પાનું પ્રખ્યાત હિન્દુ મંદિર સબરીમાલામાં ભક્તો આ વર્ષે મોટી સંખ્યામાં મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે મંદિરમાં થઈ રહેલી ભીડના અને અવ્યવસ્થાને કારણે કોંગ્રેસે સબરીમાલા મુદ્દે સરકારની ટીકા કરી હતી.
વિધાનસભામાં વિપક્ષના નેતા વીડી સતીસને કહ્યું હતું કે સબરીમાલા મંદિરમાં ઘણી અવ્યવસ્થા જોવા મળી રહી છે તો મંદિરમાં દર્શનાર્થે આવનાર ભક્તો માટે સારી વ્યવસ્થા જળવાય તે માટે જણાવ્યું હતું. હાલમાં સબરીમાલામાં મંડલમ-મકરવિલક્કુ સીઝન ચાલી રહી છે. આ સમય દરમિયાન, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માત્ર કેરળથી જ નહીં પરંતુ નજીકના રાજ્યોમાંથી પણ આવે છે. 17 નવેમ્બરથી શરૂ થયેલી આ સિઝનમાં સબરીમાલા મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી.
દરરોજ આશરે 1.20 લાખ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં મંદિરમાં લાંબી લાઈનો લાગે છે. ભક્તોને દર્શન માટે 18-18 કલાક રાહ જોવી પડે છે. મંદિરમાં ભીડને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ પોકળ સાબિત થઈ છે. ઘણી વખત ભક્તો પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડ્સને તોડી નાખે છે, પરિણામે નાસભાગ જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે સીએમ પિનરાઈ વિજયને અધિકારીઓને પરિસ્થિતિનો સામનો કરવા માટે વિવિધ પગલાં લેવાનો આદેશ આપ્યો છે. જેમાં ઓનલાઈન બુકિંગ ઘટાડવા અને દર્શનનો સમય 1 કલાક વધારવા જેવા પગલાંનો સમાવેશ થાય છે. ત્યારે વિપક્ષે પોલીસ અને દેવસ્વોમ બોર્ડ સહિત રાજ્ય સરકાર પર સબરીમાલા તીર્થયાત્રાના પ્રથમ તબક્કાનું અસરકારક આયોજન કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનને પત્ર લખીને શ્રદ્ધાળુઓની સમસ્યાઓનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
ભીડને જે રીતે હેન્ડલ કરવામાં આવે છે તેના પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે મંદિરના ઈતિહાસમાં પહેલીવાર શ્રદ્ધાળુઓએ તેમની યાત્રા અધવચ્ચે જ છોડી દેવી પડી છે. અને આ ખૂબ જ દુઃખદ છે. ઉલ્લેખનીય છે કે સબરીમાલા મંદિર થોડા સમયથી બંધ હતું જે આજે સાંજે ફરી મકરવિલક્કુ ઉત્સવ માટે ફરી ખુલવા જઈ રહ્યું છે. ત્યારે ફરી વાર આજ રીતે ભીડના કારણે નવા ભક્તોને તકલીફ ના પડે અને તેમને તેમની યાત્રા અધવચ્ચે ના છોડવી પડે તેનું ધ્યાન રાખવા માટે સરકારને તાકીદ કરી હતી.