નવી દેલ્હી: લોકસભા ચૂંટણી 2024(Lok Sabha Election) માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે, તમામ પક્ષો મતદારોને રીજવવા વિવિધ વચનો આપી રહ્યા છે. મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(Congress)પાર્ટી આજે મેનિફેસ્ટો(Manifesto) જાહેર કરશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી આજે સવારે 11.30 વાગ્યે નવી દિલ્હી ખાતેના કોંગ્રેસના મુખ્યાલયમાં એક પત્રકાર પરિસદમાં પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. અહેવાલો મુજબ કોંગ્રેસનો મેનિફેસ્ટો પાંચ ‘ન્યાય’ અને 25 ‘ગેરંટી’ પર આધારિત હશે. આવતી કાલે દિવસે જયપુર અને હૈદરાબાદમાં મેનિફેસ્ટો સંબંધિત જાહેર સભાઓનું આયોજન કરવામાં આવશે, જેમાં પાર્ટીના ટોચના નેતાઓ ભાગ લેશે.
સુત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસનો મેનિફેસ્ટો પાંચ ન્યાય- ‘ભાગીદારીનો ન્યાય’, ‘ખેડૂત ન્યાય’, ‘મહિલા ન્યાય’, ‘શ્રમ ન્યાય’ અને ‘યુવા ન્યાય’ પર આધારિત હશે. ‘યુવા ન્યાય’ હેઠળ પાંચ ગેરંટી આપવામાં આવશે, જેમાં 30 લાખ સરકારી નોકરીઓ આપવાનું અને એક વર્ષ માટે એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ હેઠળ યુવાનોને 1 લાખ રૂપિયા આપવાનું વચન સામેલ છે.
કોંગ્રેસે ‘ભાગીદારી ન્યાય’ હેઠળ જાતિ ગણતરી હાથ ધરવા અને અનામતની 50 ટકા મર્યાદા દૂર કરવાની ગેરંટી આપી છે. ‘ખેડૂત ન્યાય’ હેઠળ, મીનીમમ સપોર્ટ પ્રાઈઝ (MSP), લોન માફી કમિશનની રચના અને GST-મુક્ત ખેતીને કાયદાકીય દરજ્જો આપવાની ગેરંટી આપવામાં આવી છે.
‘શ્રમ ન્યાય’ હેઠળ, કોંગ્રેસે શ્રમિકોને આરોગ્ય સેવાના અધિકાર આપવાની, લઘુત્તમ વેતન 400 રૂપિયા પ્રતિ દિવસ અને શહેરી રોજગાર ગેરંટી સુનિશ્ચિત કરવાની ગેરંટી આપી છે. પાર્ટીએ ‘મહિલા ન્યાય’ હેઠળ ઘણા વચનો આપ્યા છે જેમાં ‘મહાલક્ષ્મી’ ગેરંટી હેઠળ ગરીબ પરિવારની મહિલાઓને પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયા આપવાનો સમાવેશ થાય છે.
આવતી કાલે શનિવારે રાજસ્થાનના જયપુરમાં આયોજિત મેનિફેસ્ટો સંબંધિત રેલીમાં કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા હાજર રહેશે. રાહુલ ગાંધી હૈદરાબાદમાં મેનિફેસ્ટો સંબંધિત રેલીને સંબોધિત કરશે.