નેશનલ

સંરક્ષણ ક્ષેત્રે ભારતની ક્ષમતાઓ પર અમને છે વિશ્વાસ છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર સંરક્ષણ ક્ષેત્રમાં ભારત અને ભારતીયોની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખે છે, જ્યારે અગાઉની સરકારો તેમની ક્ષમતાઓને લઇને અમુક અંશે શંકા ધરાવતી હતી, એમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરૂવારે જણાવ્યું હતું.

સંરક્ષણ પ્રધાને અહીં એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં એમ પણ કહ્યું હતું કે જો કોઇ સરકારી યોજના પર મીડિયા દ્વારા કોઇ ટીકા થાય છે તો અમે તેને સ્વીકારીએ છીએ અને તે મુજબ ફેરફારો લાવવાનો પ્રયાસ કરીએ છીએ.

મીડિયા ગૃહની ડિફેન્સ સમિટમાં સિંહે કહ્યું કે જ્યારે ૨૦૧૪માં મોદીની આગેવાનીવાળી સરકાર સત્તામાં આવી ત્યારે અમે સંરક્ષણ ક્ષેત્રને અમારી મુખ્ય પ્રાથમિકતાઓમાંનું એક બનાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે અમે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ એક પગલું ભર્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ (ડીએમએ)ની સ્થાપનાથી લઇને સીડીએસ(ચીફ ઓફ ડિફેન્સ) પોસ્ટની રચના, ભારતમાં શસ્ત્રોના ઉત્પાદન માટે સરકારાત્મક સ્વદેશીકરણ સૂચી જારી કરવી. તે સ્વાભાવિક રીતે રક્ષા ક્ષેત્રને મજબૂત બનાવે છે.

સંરક્ષણ પ્રધાને કહ્યું કે અગાઉની સરકારોએ પણ પોતપોતાની રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને સંરક્ષણ ક્ષેત્રને મજબૂત કરવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમની અને અમારી વચ્ચે ઘણો ફરક છે. અને આ તફાવત પરિપ્રેક્ષ્યનો છે.

તેમના સંબોધનમાં તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે આપણી સરકાર ભારતીય ઉદ્યોગ અને ભારતીય યુવાનોમાં વિશ્વાસ ધરાવે છે તથા ભારતમાં સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં આત્મનિર્ભર ભારતની વ્યાપક દ્રષ્ટિને અનુરૂપ કામ કરનારા ભારતીય કોર્પોરેટ ફર્મ અને ડીપીએસયુ પર વિશ્વાસ કરે છે.

તેમણે કહ્યું હતું કે જો આપણા યુવાનો એક ડગલું ભરશે તો સરકાર ૧૦૦ ડગલાં ભરશે અને જો તેઓ ૧૦૦ ડગલાં ભરશે તો અમે ૧૦૦૦ ડગલાં લઇશું, આ અમારો સંકલ્પ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button