ટોપ ન્યૂઝનેશનલ

નૈનિતાલમાં સગીરા પર બળાત્કાર બાદ કોમી તણાવ; દુકાનોમાં તોડફોડ-મસ્જિદ પર પથ્થરમારો…

નૈનિતાલ: ઉત્તરાખંડના લોકપ્રિય પ્રવાશી સ્થળ નૈનિતાલમાં હાલ અશાંતિ માહોલ છે. બુધવાર રાતથી શહેરમાં સાંપ્રદાયિક તણાવ (Communal tension in Nainital) ચાલી રહ્યો છે. 12 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના બની હતી, ત્યાર બાદ થયેલા પ્રદર્શનોમાં હિંસા થઇ હતી. હિન્દુત્વવાદી સંગઠનો કાર્યકર્તાઓએ મુસ્લિમ સમુદાયના લોકોની દુકાનોમાં તોડફોડ કરી હતી અને દુકાનદારોનો પીછો કરીને માર માર્યો હતો. શહેરની એક મસ્જીદ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, હાલ શહેરના મુસ્લિમ સમુદાયમાં ભયનો માહોલ છે. શહેરમાં કડક પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

એવા આરોપ લાગવવામાં આવી રહ્યા છે કે મુજબ આરોપી મુસ્લિમ સમુદાયનો હોવાથી કેટલાક હિન્દુત્વવાદી સંગઠનો આ મુદ્દાને સાંપ્રદાયિક વળાંક આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બળાત્કારની ઘટના બાદ વિરોધ પ્રદર્શન:
બુધવારે શહેરના રુકુટ કમ્પાઉન્ડમાં સગીરા પર બળાત્કારની ઘટના બની હતી, આ ઘટનાના સમાચાર ઝડપથી ફેલાતા રાત્રે ટોળાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતાં. લોકોએ મુસ્લિમ સમુદાયના વિરોધમાં પ્રદર્શન કર્યું અને ઉશ્કેરણીજનક નારા લગાવ્યા. મુસ્લિમ સમુદાયના લોકોને માર મારવામાં આવ્યો. શહેરની પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી નાખી. ત્યારબાદ તણાવને ધ્યાનમાં રાખીને ગુરુવારે બજારમાં બંધની જાહેરાત કરવામાં આવી હતી.

બીજા દિવસે પણ પ્રદર્શન:
બુધવારે રાત્રે લોકો ઘરે પરત ફર્યા બાદ ગુરુવારે સવારે ભાજપ નગર મંડળ, રામ સેવા દળ, બજરંગ દળ, શિવસેનાના કાર્યકરો, વ્યાપાર મંડળ અને કેટલાક વકીલો રસ્તા પર પ્રદર્શન કરવા ઉતરી આવ્યા હતાં. બજાર સંપૂર્ણપણે બંધ રહ્યું. વિવિધ સંગઠનો સાથે સંકળાયેલા લોકોએ રેલી કાઢી, ત્યારબાદ લોકો પોલીસ સ્ટેશન સામે ધરણા પર બેસી ગયા. આરોપીને ફાંસી આપવાની અને તેના ઘરને બુલડોઝરથી તોડી પાડવાની માંગ કરવામાં આવી. આ દરમિયાન, પોલીસ સાથે અથડામણની ઘટનાઓ પણ બની.

પોલીસે પ્રદર્શનકરીઓને સમજાવ્યા:
વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પ્રદર્શનકારીઓને સમજાવવાની કોશિશ કરી હતી. વિવિધ સંગઠનોએ કમિશનર માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું. આરોપી ઉસ્માનને જેલમાં મોકલવામાં આવ્યો છે. વહીવટીતંત્રે આરોપી સામે કડક કાર્યવાહીની ખાતરી આપ્યા બાદ બપોરે વિરોધ પ્રદર્શનનો અંત આવ્યો હતો.

બળાત્કારના 76 વર્ષીય આરોપી કોન્ટ્રાક્ટર ઉસ્માન પર બળાત્કાર અને ગુનાહિત ધાકધમકી કલમ 65(1) અને 351(2) અને POCSO એક્ટની કલમ 3 અને 4 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ત્રણ ડોક્ટરોના પેનલે પીડિતાની તબીબી તપાસ કરી હતી, જેનો રિપોર્ટ કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો, જોકે રીપોર્ટની વિગતો જાહેર કરવામાં આવી નથી. કાઉન્સેલિંગ બાદ કોર્ટમાં પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

પ્રવાસનને માઠી અસર:
હિંસક વિરોધ પ્રદર્શનો બાદ નૈનિતાલમાં પ્રવાસન વ્યવસાય પર માઠી અસર પડી છે. ગભરાયેલા પ્રવાસીઓ પાછા ફર્યા છે. આગામી દિવસો માટેના બુકિંગ પણ રદ થયા છે. ગુરુવારે શહેરની મોટાભાગની શાળાઓ પણ બંધ રહી.

હાઈકોર્ટે પોલીસને નિર્દેશ આપ્યા:
હિંસક વિરોધ પ્રદર્શનો અંગે હાઈકોર્ટે સેલ્ફ કોગ્નાઈઝ લીધું હતું. હાઈકોર્ટે પોલીસને શાંતિ અને વ્યવસ્થા જાળવવા, ભીડને એક જગ્યાએ એકઠી ન થવા દેવા, ઇન્ટરનેટ મીડિયા પર નજર રાખવા અને હલ્દવાની, કાઠગોદામ, ભવાલી, રામનગર અને કાલાધુંગીથી આવતા વાહનોની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.

કોર્ટે કહ્યું કે પોલીસે શાંતિ માટે અપીલ હજેર કરવી જોઈએ અને પેટ્રોલિંગ ચાલુ રાખવું જોઈએ જેથી નૈનિતાલમાં હલ્દવાની જેવી તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી ન થાય. ગુરુવારે વરિષ્ઠ ન્યાયાધીશ મનોજ કુમાર તિવારી અને ન્યાયાધીશ વિવેક ભારતી શર્માની ડિવિઝન બેન્ચ સમક્ષ એક કેસની સુનાવણી દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

આપણ વાંચો : ઔરંગઝેબપુર હવે શિવાજી નગરના નામે ઓળખાશે, ઉત્તરાખંડ સરકારે ઈદના દિવસે સ્થળોના નામ બદલ્યા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button