રેલવે પ્રવાસ બધા માટે આરામદાયક બનાવવા પ્રતિબદ્ધ: વડા પ્રધાન મોદી

નવી દિલ્હી: રેલવેએ લાંબા સમયથી ચાલતા પ્રશ્ર્નોના નિરાકરણમાં મોટી પ્રગતિ કરી છે અને જ્યાં સુધી તે સમાજના તમામ વર્ગો માટે આરામદાયક મુસાફરી નહીં મળે ત્યાં સુધી રોકાશે નહીં, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું.
વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી દાખવતાં મોદીએ કહ્યું હતું કે વંદે ભારત ટ્રેનોના આધુનિકીકરણ અને વિસ્તરણ સાથે વિકિસિત ભારતના લક્ષ્ય તરફ દેશ આગળ વધી રહ્યો છે.
વડા પ્રધાન દ્વારા મેરઠથી લખનૌ, મદુરાઈથી બેંગલુરુ અને ચેન્નઈથી નાગરકોઈલને જોડતી ટ્રેનોને લીલી ઝંડી દાખવવામાં આવી હતી.
વર્ષોની સખત મહેનત દ્વારા રેલવેએ લાંબા સમયથી ચાલતા પ્રશ્ર્નોના નિરાકરણમાં મોટી પ્રગતિ કરી છે અને નવી આશાઓ અને ઉકેલો શોધી કાઢ્યા છે. જ્યાં સુધી ભારતીય રેલવે દરેક માટે આરામદાયક મુસાફરીની ગેરંટી નહીં બને ત્યાં સુધી અમે અટકીશું નહીં, એમ મોદીએ કહ્યું હતું.
વડા પ્રધાને કહ્યું હતું કે આધુનિક રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ વિકિસિત ભારતના વિઝનનો મજબૂત આધારસ્તંભ છે. તેમણે કહ્યું કે આ વર્ષના બજેટમાં રેલવેને રૂ. 2.5 લાખ કરોડથી વધુ ફાળવવામાં આવ્યા છે અને સરકાર તેની જૂની છબી બદલવા માટે ભારતીય રેલવેને હાઇ-ટેક સેવાઓ સાથે જોડી રહી છે.
વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકિસિત ભારતના લક્ષ્યને પૂર્ણ કરવા માટે દક્ષિણના રાજ્યોનો ઝડપી વિકાસ અનિવાર્ય છે.
દક્ષિણ ભારત અપાર પ્રતિભા, સંસાધનો અને તકોની ભૂમિ છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર દક્ષિણ ભારતની સાથે તમિલનાડુનો વિકાસ સરકારની પ્રાથમિકતા છે.
તેમણે કહ્યું કે રેલવેની વિકાસ યાત્રા એ સરકારની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. મોદીએ કહ્યું કે આ વર્ષે તમિલનાડુના રેલ બજેટ માટે રૂ. 6,000 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે, જે 2014ની સરખામણીએ સાત ગણી વધારે છે.
એ જ રીતે આ વર્ષના બજેટમાં કર્ણાટક માટે રૂ. 7,000 કરોડથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, જે 2014ની સરખામણીમાં નવ ગણું વધારે હતું.
તેમણે ઉમેર્યું હતું કે આઠ વંદે ભારત ટ્રેન કર્ણાટકના વિવિધ ભાગોને જોડે છે.