જમ્મુ કાશ્મીરમાં કોલ્ડ વેવ, શ્રીનગરમાં પારો માઈનસ 4.5 ડિગ્રી થતા જનજીવનને અસર

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેમાં આ વર્ષે નવેમ્બર માસમાં વર્ષ 2007 પછી સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. જેમાં કાશ્મીરમાં ઘાટીના અનેક વિસ્તારોમાં રાત્રીનું તાપમાન માઈનસમાં પહોંચ્યું છે. જેમાં લીધે જનજીવનને પણ વ્યાપક અસર થઈ છે. જેમાં ગુરુવારની રાત સિઝનની સૌથી ઠંડી રાત રહી હતી. શ્રીનગરનું લધુત્તમ તાપમાન માઈનસ 4.5 ડિગ્રી નોંધાયું હતું.
પુલવામા જિલ્લામાં આવેલું કોનિબાલ સૌથી ઠંડુ સ્થળ રહ્યું
આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના ઘાટી વિસ્તારના અનેક હવામાન કેન્દ્રોમાં આ વર્ષે 2007 કરતા ઓછુ લધુત્તમ તાપમાન નોંધાયું છે. જેમાં વર્ષ 28 નવેમ્બર 2007 ના રોજ શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 4.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નવેમ્બરમાં શહેરનું અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન માઈનસ 7.8 ડિગ્રી સેલ્સિયસ હતું. જે વર્ષ 1934 માં નોંધાયું હતું. હવામાન અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલું કોનિબાલ સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું, જ્યાં રાત્રીનું તાપમાન માઈનસ 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. ઘાટીના પ્રવેશદ્વાર તરીકે જાણીતા કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન માઈનસ 4.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આ પણ વાંચો: બંગાળની ખાડીની હલચલથી હવામાન બદલાશે? ક્યાંક કોલ્ડ વેવ તો ક્યાંક વરસાદની આગાહી
ન ગુલમર્ગ સ્કી રિસોર્ટમાં તાપમાન માઈનસ 1.4 ડિગ્રી
જયારે ઉત્તર કાશ્મીરમાં કુપવાડામાં તાપમાન માઈનસ 4.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે દક્ષિણ કાશ્મીરના કોકરનાગમાં માઈનસ 1.8 ડિગ્રી સેલ્સિયસ અને પહલગામ ટુરિસ્ટ રિસોર્ટમાં માઈનસ 5.5 ડિગ્રી સેલ્સિયસ હતું. આ દરમિયાન ગુલમર્ગ સ્કી રિસોર્ટમાં તાપમાન માઈનસ 1.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે 10 ડિસેમ્બર સુધી કાશ્મીરમાં મોટાભાગે શુષ્ક હવામાનની આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ સમયગાળા દરમિયાન રાત્રિનું તાપમાન વધુ ઘટી શકે છે. લોકોને ઠંડીથી બચાવવા માટે સલાહ આપવામાં આવી છે.



