વંદે ભારત ટ્રેન’માં પેસેન્જરની પ્લેટમાં મળ્યો કોક્રોચ પછી થઈ આ ધમાલ

ભોપાલ: ટ્રેનમાં પીરસવામાં આવતું ભોજન સ્વચ્છ અને સાફ તેમ જ આરોગ્યપદ હોવાના અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે. પરંતુ દર વખતે આ દાવાઓ પોકળ સાબિત થતા હોય છે. આ વખતે તો અત્યંત સોફેસ્ટિકેટેડ મનાતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં પ્રવાસીઓને પીરસવામાં આવેલા ભોજનમાંથી વંદો નીકળી આવ્યો હતો.
પ્રવાસીને અપાયેલી ફૂડ પ્લેટમાં વંદો હોવાની ફરિયાદ રાણી કમલાપતિ સ્ટેશનથી જબલપુર જંક્શન સુધી મુસાફરી કરી રહેલા ડૉક્ટર શુભેંદુ કેસરીએ કરી હતી. રીવા વંદે ભારત એક્સપ્રેસમાં આ બનાવ બન્યો હતો. થાળીમાં વાંદા સહિતનો ફોટો સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ(પહેલા ટ્વિટર) ઉપર મૂક્યો હતો. તેમણે આ પોસ્ટમાં રેલવે મંત્રાલય તેમ જ આઈઆરસીટીસીને ટેગ કર્યા હતા.
આઈઆરસીટીસીએ પણ આ વાતની ગંભીર નોંધ લીધી હતી. આ બનાવ બાદ આઈઆરસીટીસીએ માફી માંગી હતી તેમ જ સર્વિસ પ્રોવાઇડર સામે કાર્યવાહી કરવામાં આવશે એવી માહિતી પણ આપી હતી. મળેલી માહિતી મુજબ સર્વિસ પ્રોવાઇડરને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે અને આવો અનુભવ થયા બદલ પ્રવાસીની માફી પણ માંગવામાં આવી છે.
જોકે, આ પ્રકારની ઘટના ફરી ન બને એ માટે મોનિટરિંગ સોર્સને વધુ મજબૂત કરવામાં આવવા જોઇએ, એવી માંગણી સોશિયલ મીડિયા ઉપર લોકો દ્વારા થઇ રહી છે. તેમ જ લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા હોવાની ફરિયાદ પણ અનેક લોકોેએ આ ઘટના બાદ કરી છે.