ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીમાંથી ફરી મળ્યું રૂ. 2000 કરોડનું કોકેઈન, ડ્રગ્સ લાવનારો શખ્સ લંડન ફરાર

દિલ્હીઃ દેશના યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદીની ગર્તામાં ધકેલવાની ડ્રગ્સ માફિયાઓએ જાણે નેમ લીધી હોય તેમ છેલ્લા થોડા દિવસોથી કોઈને કોઈ ખૂણામાંથી ડ્રગ્સ પકડાયાના સમાચાર આવી રહ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રમેશનગર વિસ્તારમાં રેડ પાડીને 200 કિલો કોકેઇન ઝડપી પાડ્યું હતું. આ કોકેઈન ગોડાઉનમાં રાખવામાં આવ્યું હતું. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 2000 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. એક સપ્તાહમાં બીજી વખત મોટી માત્રામાં કોકેઈન ઝડપાયું છે.

અત્યાર સુધીમાં કુલ મળીને રૂ.7000 કરોડનું ડ્રગ્સ સ્પેશિયલ સેલ જપ્ત કરી ચૂકી છે. ડ્રગ રેકેટનું ઈન્ટરનેશનલ કનેકશન પણ સામે આવી ચૂક્યું છે. ઈડીએ પણ આ મામલાની નોંધ લીધી છે. અત્યાર સુધીમાં 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ રીતે પોલીસ પહોંચી ગોડાઉન સુધી એવું કહેવાય છે કે કોકેઈન લાવનારો શખ્સ લંડન ફરાર થઈ ગયો છે. જે કારમાં કોકેઈન લાવવામાં આવ્યું હતું તેમાં જીપીએસ લગાવેલું હતું. જીપીએસ લોકેશનને ટ્રેક કરીને પોલીસ રમેશ નગરના ગોડાઉન સુધી પહોંચી હતી.



આ પહેલા પંજાબમાં એક મોટા ડ્રગ્સ સિન્ડિકેટનો ખુલાસો થયો હતો. 5600 કરોડના ડ્રગ્સ સિંડિકેટ મામલે આશરે 10 કરોડનું કોકેઈન પંજાબમાંથી ઝડપાયું હતું. દુબઈ અને યુકેમાંથી મોટી ખેપ સપ્લાય કરવાનો ટાર્ગેટ સિંડિકેટને મળતો હતો. તાજેતરમાં દિલ્હીથી ઝડપાયેલા 5600 કરોડ રૂપિયાના ડ્રગ્સના મામલામાં મોટો ખુલાસો થયો હતો. આ ડ્રગ સિન્ડિકેટનો માસ્ટરમાઈન્ડ અને મુખ્ય આરોપી તુષાર ગોયલ 2022માં દિલ્હી પ્રદેશ કોંગ્રેસના RTI સેલના અધ્યક્ષ રહી ચુક્યો છે.

આરોપીની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર આરટીઆઈ સેલનો અધ્યક્ષ, દિલ્હી પ્રદેશ કોંગ્રેસ લખેલું પણ છે.આરોપીએ સોશિયલ મીડિયા પર ડિક્કી ગોયલ નામથી પ્રોફાઇલ બનાવી છે. કોંગ્રેસના ઘણા નેતાઓ સાથે તુષાર ગોયલના ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા હતા. તુષારના પિતાનો દિલ્હીના પહાડગંજ અને દરિયાગંજમાં પબ્લિકેશનનો મોટો બિઝનેસ છે. તુષારની ઉંમર 40 વર્ષની આસપાસ છે. તે શિક્ષિત છે. તેને હાઈ એન્ડ કારનો શોખ છે. 5600 કરોડ રૂપિયાના જપ્ત ડ્રગ્સ કેસના તાર દુબઈ સાથે જોડાયેલા પણ છે. આ કેસમાં દુબઈના એક મોટા બિઝનેસમેનનું નામ પણ સામે આવ્યું છે જે કોકેઈનનો મોટો સપ્લાયર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button