(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હોવાના દાવા કરાય છે ત્યારે ફરી કચ્છના કંડલા પાસેના મીઠીરોહર ગામની પાછળના ભાગે આવેલી એક દરિયાઈ ખાડીમાંથી ગાંધીધામ સ્થાનિક ગુન્હાશોધક શાખાની ટુકડીએ ૮૦ જેટલા પેકેટમાં છુપાવેલા કોકેઈનનો જંગી જથ્થો ઝડપી પાડતા કચ્છ સીમા ફરી એકવાર ચર્ચાની એરણે ચડી ચૂકી છે. ગુજરાત પણ હવે જાણે પંજાબને રસ્તે ‘ઉડતા ગુજરાત’ થવા તરફ જઈ રહ્યું હોય તેમ કચ્છ-સૌરાષ્ટ્રના સાગરકાંઠેથી એક પછી એક મળી રહેલા કેફી દ્રવ્યોના ગંજાવર જથ્થાને જોતાં લાગી રહ્યું છે.
રાજ્યના મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાને કોકેઈનનો જંગી જથ્થો ઝડપી પાડવા બદલ પોલીસને શાબાશી આપી છે પણ વાસ્તવમાં કોકેઈનનો આ જંગી જથ્થો કચ્છમાં દરિયાઈ કે રણમાર્ગે કોણે ઘુસાડ્યો અને તેને છેક દેશના પશ્ર્ચિમ કાંઠાના મહાબંદર કંડલા અને તેના હિન્ટર લેન્ડ સમાન ગાંધીધામ નજીકના મીઠીરોહર ગામ સુધી કેમ પહોંચતો કરાયો તે ગંભીર બાબતના કોઈ સગડ હજુ સુધી મળી શક્યા નથી.
બીજી તરફ મીઠીરોહરથી પ્રમાણમાં નજીક એવા કંડલાના દરિયાને અડકીને આવેલા જોગણીનાર નામના તીર્થસ્થાન નજીકથી અગાઉ મળી આવેલા હેરોઇનના જથ્થાની તપાસમાં પણ હજુ કોઈ કડી મળી નથી ત્યારે એક ઝાટકે ૮૦૦ કરોડથી વધુના કોકેઈન કાંડથી ભારે ચકચાર ફેલાઈ છે.દરમ્યાન ૮૦૦ કરોડના જંગી કોકેઈનનો જથ્થો કચ્છમાંથી ઝડપાયા બાદ તેની તપાસ માટે ઇન્ટરપોલની મદદ પણ લેવામાં આવે તેવી શક્યતા ઊભી થવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં કંડલા ખાતે આફ્રિકાથી આવેલાં બે ક્ધટેનરોના બે વર્ષથી કોઈ ધણીધોરી ન થતાં તેની હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ત્યારે તેની ચકાસણી દરમ્યાન ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સને ક્ધટેનરમાં લાકડાની આડમાં છુપાવાયેલો દસ કરોડની કિંમત ધરાવતો કેફી પદાર્થ મળી આવ્યો હતો.
આવી પરિસ્થિતિ વચ્ચે કંડલાની ખાડી બહાર આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદમાં નૌકાદળ અને કોસ્ટગાર્ડની સુરક્ષાને ભેદીને રૂપિયા ૮૦૦ કરોડથી વધુના કોકેઇનના જથ્થાને મીઠીરોહર પાસે કોણ ફેંકી ગયું તે બાબત ઝીણવટભરી તપાસનો વિષય બને છે.
દરમિયાન ઓખા ખાતેથી ગુરુવારે ત્રણ ઇરાનિયન માછીમારો ઉપરાંત અગાઉ ઓમાનમાં કામ કરી ચૂકેલા તામિલનાડુના વતની અશોક નામના શખસને પોલીસે ઝડપ્યા છે અને તેમની પાસેથી એક સેટેલાઇટ ફોન ઉપરાંત હેરોઇનનો કેટલોક જથ્થો પણ મળી આવ્યો છે.
ઝડપાયેલા શખસો પૈકીનો એક અશોક ઓમાનથી ઈરાન દરિયાઈ માર્ગે પહોંચ્યો હતો અને તે ઈરાનથી દરિયાઈ રસ્તે કચ્છનો દરિયો પાર કરીને ઓખા પહોંચ્યો હતો. આ અશોક કુમાર અયપ્પન નામના શખસને ડ્રગ માફિયાઓ સાથે સીધો સંબંધ હોવાની પોલીસને આશંકા છે. આ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી બાજુ કંડલા નજીકથી ઝડપાયેલા કોકેઇનના જથ્થા સાથે તેમનો કોઈ સંબંધ છે કે નહિ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
અત્રે નોંધનીય છે કે, કેફી દ્રવ્યોની હેરાફેરી માટે નામચીન ગણાતા ગોલ્ડન ટ્રાયેન્ગલ નજીકના વિસ્તારમાં કચ્છની જળસીમા આવતી હોવાથી જાણે કચ્છ પણ હવે ડ્રગ માફિયાઓના મુલક સમા ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ગોલ્ડન ટ્રાયેન્ગલનો કમસેકમ કેફી દ્રવ્યોની બાબતમાં એક ભાગ બની ચૂક્યું હોય તેવી પરિસ્થિતિનું કમનશીબે નિર્માણ થઇ રહ્યું છે.