એવું શું થયું કે પાકિસ્તાને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે દરિયાઈ સરહદ ખોલી…
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટ દાયકાઓ જૂની છે. તેમ છતાં તેમણે ડૂબતા ભારતીય જહાજમાં સવાર ખલાસીઓને બચાવી લઇને માનવતાની મિસાલ પેશ કરી છે. ભારતીય માલવાહક જહાજ પાકિસ્તાની દરિયાની હદમાં ડૂબવા માંડ્યું હતું, ત્યારે આ જહાજ પર મુશ્કેલીમાં મુકાયેલા 12 ભારતીય ખલાસીઓને પાકિસ્તાન મેરીટાઇમ સેફ્ટી એજન્સીએ બચાવી લીધા હતા.
MICC, મુંબઈથી પાકિસ્તાની એજન્સીને એક અરજન્ટ મેઇલ મોકલવામાં આવ્યો હતો અને ડૂબી ગયેલા જહાજ પર સવાર લોકોને શોધવા અને બચાવવામાં મદદની વિનંતી કરી હતી. કાર્ગો જહાજ એમએસવી અલ પીરાનીપીર પાકિસ્તાનના દરિયાઇ ક્ષેત્રમાં ડૂબી ગયું હતું, જેના કારણે આ જહાજ પરના 12 ખલાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પાકિસ્તાની એજન્સીઓ દ્વારા અન્ય એજન્સીઓ સાથે મળીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પીએમએસએ તરત જ ખલાસીઓની શોધ માટે એક જહાજ રવાના કર્યું.
Also read: ‘મોહમ્મદ યુનુસ નરસંહાર કરી રહ્યા છે’ શેખ હસીનાએ હિંદુઓ પર હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી
દરમિયાન, અન્ય માલવાહક જહાજોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે કહેવામાં આવ્યું હતું. માહિતી મળતાં જ પાકિસ્તાન નેવીએ પણ પોતાનું જહાજ તે દિશામાં મોકલ્યું હતું. 12 ખલાસીઓને બચાવ્યા બાદ ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજને પણ આ ખલાસીઓને ભારત લાવવા માટે પાકિસ્તાની વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર બાદ બંને દેશોના સંકલન દ્વારા ખલાસીઓને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવ્યા છે.