‘વિપક્ષ નથી ઈચ્છતું કે દલિતો અને વંચિતોને જમીન મળે…’ મુર્શિદાબાદ હિંસા અંગે સીએમ યોગીના પ્રહાર

લખનઉ: ફોર્સિસ તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. પોલીસે 188 લોકોની ધરપકડ કરી છે. વિસ્તારમાં હાલ તંગદિલીભર્યો માહોલ છે. એવામાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્ય નાથ (Yogi Adityanath)એ મુર્શિદાબાદમાં થયેલી હિંસાને ટાંકીને વિપક્ષ પર જોરદાર પ્રાહારો કર્યા હતાં. લખનઉમાં એક કાર્યક્રમ દરમિયાન આદિત્યનાથે કહ્યું કે બંગાળના મુર્શિદાબાદમાં ત્રણ હિન્દુઓને તેમના ઘરમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
લખનઉમાં બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન હેઠળ આયોજિત કાર્યક્રમમાં ભાજપ નેતાઓને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું, ‘વક્ફ કાયદા બાબતે હિંસા ભડકાવવામાં આવી રહી છે. મુર્શિદાબાદમાં, ત્રણ હિન્દુઓને તેમના ઘરમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. અને આ લોકો કોણ છે? આ એ જ દલિતો, વંચિતો છે જેમને આ જમીનનો લાભ મળવાનો છે. જો આ જમીન રેવન્યુ રેકોર્ડમાં પાછી આવે, તો ગરીબ વ્યક્તિ પણ બહુમાળી ઇમારતનો લાભ લઈ શકશે. તેને એક સારો ફ્લેટ પણ મળશે.’
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમા હિંસા બાદ કેન્દ્રીય દળો તૈનાત કરવા કોલકાતા હાઇકોર્ટનો આદેશ
વિપક્ષ પર નિશાન સાધતા યોગી આદિત્યનાથે કહ્યું કે એ લોકોને ડર છે કે જો ગરીબોને ઊંચી ઇમારતો મળશે તો તેમની વોટ બેંક ખતમ થઈ જશે. એટલા માટે તેઓ હિંસા ભડકાવી રહ્યા છે.
‘વિપક્ષ હિંસા ભડકાવી રહ્યું છે’
સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ(CAA)નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, ‘જો કોઈ હિન્દુ પર દુનિયામાં ક્યાંય પણ અત્યાચાર થાય છે, તો તે ભારત આવશે. પરંતુ કોંગ્રેસ-સપા અને ટીએમસી જેવા પક્ષો હંમેશા આમાં અવરોધરૂપ રહ્યા છે. તેઓએ હંમેશા આ લોકોને બીજા વર્ગના નાગરિક બનાવવાનું કામ કર્યું છે. તેમને શરણાર્થી તરીકે રાખવામાં આવ્યા હતા, પરંતુ ભાજપે તેમને અપનાવ્યા. CAAની જેમ જ આ લોકો વક્ફ કાયદા બાબતે પણ હિંસા ભડકાવી રહ્યા છે.’
મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું કે ધમકીઓ આપવામાં આવી રહી છે અને પછી અરાજકતા ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કારણ કે આ લોકોને ડર છે કે જે જમીન રેવન્યુ રેકોર્ડ પર આવશે તો ગરીબોને હોસ્પિટલો મળશે. મેડિકલ કોલેજો બનાવવામાં આવશે, શિક્ષણના સારા કેન્દ્રો બનાવવામાં આવશે. જ્યાં વંચિત બાળકોને અભ્યાસ માટે સારી સુવિધાઓ મળશે. એટલા માટે આ લોકો આ કાર્યક્રમને આગળ વધવા દેતા નથી.