દિલ્હીમાં મોદી-યોગીની મુલાકાત: UP કેબિનેટ વિસ્તરણને લઈને અટકળો તેજ…

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજધાનીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી અને યોગી આદિત્યનાથની મુલાકાત એવા સમયે થઇ રહી છે કે જ્યારે ઉત્તર પ્રદેશના રાજકારણમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે. પીએમ મોદી અને સીએમ યોગીની મુલાકાત બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં અટકળોનું બજાર તેજ થઈ ગયું છે.
મળતી વિગતો અનુસાર આજે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ મોદી વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉત્તર પ્રદેશમાં થનારા મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચા થઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બંને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક જેટલી લાંબી ચર્ચા ચાલી હતી.

ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ ભાજપના કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનની સાથે પણ મુલાકાત કરવાના છે. છેલ્લા ઘણા સમયથી યુપીમાં મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે યોગી કેબિનેટના વિસ્તરણથી ભાજપ સામાજિક સમીકરણો સાધવાનો પ્રયાસ કરે તેવું સૂત્રોએ જણાવી રહ્યા છે.
ભાજપે સામાજિક સમીકરણો સાધીને આગામી ચૂંટણીમાં લાભ ખાટવાનો ઇરાદો વ્યક્ત કરી દીધો છે. યુપી ભાજપે પ્રદેશ અધ્યક્ષ પદ પર ઓબીસી (અન્ય પછાત વર્ગ)ના ચહેરાને સ્થાન આપ્યું છે, આગામી વિસ્તરણમાં પણ નવા ચહેરાઓની એન્ટ્રીના એંધાણ દેખાઈ રહ્યા છે. જીતીન પ્રસાદને કેબિનેટમાં પ્રધાનપદ આપવામાં આવ્યું છે તેમ જ કેબિનેટમાં ઘણા પદ ખાલી પડેલા છે. જોકે, આ સાથે જ ચોખા બાટીનો વિવાદ પણ દિલ્હી સુધી ચર્ચાયો હતો, તેની પણ બેઠકમાં ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.



