22 જાન્યુઆરીએ સીએમ યોગીએ યુપીમાં જાહેર રજા જાહેર કરી, દારૂનું વેચાણ પણ બંધ રાખવામાં આવે….
લખનઉ: મુખ્ય પ્રદાન યોગી આદિત્યનાથે અયોધ્યા ધામમાં યોજાનારા સમારોહને સાથે સામાન્ય લોકોની જે ભાવનાઓ જોડાયેલી છે તેને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાની સૂચના આપી છે. આ ખાસ અવસરને રાષ્ટ્રીય તહેવાર ગણાવતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે 22 જાન્યુઆરીએ રાજ્યમાં દારૂની દુકાનો પણ બંધ રાખવામાં આવશે.
9 જાન્યુઆરીના રોજ અયોધ્યાની મુલાકાતે આવેલા મુખ્ય પ્રધાનેએ શ્રી રામ લલ્લા અને હનુમાન ગઢીના દર્શન અને પૂજા કર્યા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મકરસંક્રાંતિ પછી શરૂ થનારી પ્રાણ પ્રતિષ્ઠાની વૈદિક વિધિની માહિતી લેતા મુખ્ય પ્રધાને અધિકારીઓને સમારોહની સુરક્ષા અને અન્ય વ્યવસ્થામાં તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને જરૂરી તમામ સહકાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ જનપ્રતિનિધિઓની હાજરીમાં સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ પાસેથી તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
તેમજ હવામાનને ધ્યાનમાં રાખીને શક્ય છે કે કેટલાક મહેમાનો એક-બે દિવસ વહેલા આવી શકે, આવી સ્થિતિમાં તેમના રહેવા માટે વધુ સારી વ્યવસ્થા કરવી જોઈએ. 22 જાન્યુઆરી બાદ દુનિયાભરમાંથી રામ ભક્તો અયોધ્યા પહોંચશે. તેમની સગવડતા માટે સમગ્ર શહેરમાં વિવિધ ભાષાઓમાં બોર્ડ લગાવવા જોઈએ. તેમજ તેમણે જણાવ્યું હતું કે આતિથ્ય સત્કારમાં સ્વચ્છતા ખૂબ જ મહત્વનો વિષય છે. આમાં જનતાનો સહકાર લો. ધર્મપથ, જન્મભૂમિ પથ, ભક્તિ પથ, રામ પથ જેવા મુખ્ય માર્ગો અથવા શેરીઓ પર ધૂળ કે ગંદકી હોવી જોઈએ નહીં. વિવિધ જગ્યાએ ડસ્ટબીન મુકવા જોઈએ.
આ ઉપરાંત મુખ્ય પ્રધાને ખાસ એ બાબત પર ભાર મૂક્યો હતો કે આ ઐતિહાસિક અભિષેકનો કાર્યક્રમ કરોડો સનાતનીઓ માટે આસ્થાનો આનંદનો, ગર્વનો અને આત્મસંતોષનો પ્રસંગ છે. આખો દેશ રામમય છે. 22 જાન્યુઆરીના રોજ સાંજે હરદેવ મંદિરમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે. દરેક વ્યક્તિ પોતાના ઘરે જ્યોત પ્રગટાવીને રામ લલ્લાનું સ્વાગત કરશે. તેમજ તમામ સરકારી ઈમારતોને પણ શણગારવામાં આવશે. તો દિવસે અયોધ્યા આવનાર અને ના આવનાર દરેક વ્યક્તિને દિવ્યતાનો અનુભવ થવો જોઈએ તેમ પણ સીએમ યોગીએ જણાવ્યું હતું.