નેશનલ

Mahakumbh મુદ્દે સીએમ યોગી વિધાનસભામાં ગર્જયા, કહ્યું જેણે જે શોધ્યું તેને તે મળ્યું

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં(Mahakumbh 2025)શ્રદ્ધાળુઓનો પ્રવાહ સતત વધી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 63 કરોડ લોકોએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. જયારે મહાકુંભ અંગે સમાજવાદી પાર્ટી દ્વારા અનેક ટિપ્પણી કરવામાં આવી રહી છે. જોકે, આજે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીને આડે હાથે લીધી હતી. રાજ્યના બજેટ સત્રમાં રાજ્યપાલના અભિભાષણ પર ગૃહને સંબોધન કરતા સીએમ યોગીએ વિપક્ષના નેતા માતા પ્રસાદ પાંડે પર કટાક્ષ કરતા કહ્યું કે મને ખુશી છે કે તમે સમાજવાદીમાંથી સનાતની બન્યા છો.

હું બુદ્ધ, જૈન અને બધામાં માનું છું

આ ઉપરાંત સીએમ યોગીએ કહ્યું કે માનવીનું માનવ બનવું એ એક સિદ્ધિ છે. માનવીનું રાક્ષસ બનવું એ હાર છે. તમે કુંભને ના સ્વીકાર્યો. માન્યતા એ છે કે જ્યારે કોઈ સમાજવાદી છેલ્લા પગથિયે ઊભો હોય છે ત્યારે તેને ધર્મ યાદ આવે છે. હું બુદ્ધ, જૈન અને બધામાં માનું છું. સનાતન ધર્મની સાથે બૌદ્ધ ધર્મના તીર્થસ્થળોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. અમે આ ધરતી પર જન્મેલા બધા ધર્મો અને સંપ્રદાયોનો આદર કરીએ છીએ. ભારતમાં જન્મેલા બધા ભક્તો ઉપાસનાને માને છે.

મોરેશિયસના રાષ્ટ્રપતિએ સ્નાન કરવાની પણ ના પાડી દીધી

જયારે વિપક્ષના નેતાએ આરોપ લગાવ્યો હતો કે ગૃહના નેતા બૌદ્ધ ધર્મમાં માનતા નથી. ત્યારે તેમણે સમાજવાદી પાર્ટીને આડે હાથે લીધી હતી. તેમણે કહ્યું કે તમારા કાર્યકાળ દરમિયાન કુંભ મેળાની વ્યવસ્થામાં બિન-સનાતન લોકો સામેલ હતા. તમારા મુખ્યમંત્રી પાસે કુંભ મેળાની સમીક્ષા કરવાનો સમય નહોતો. એટલા માટે ત્યાં ગંદકી હતી અને મોરેશિયસના રાષ્ટ્રપતિએ સ્નાન કરવાની પણ ના પાડી દીધી.

આ પણ વાંચો : મહાકુંભ પૂર્ણતાને આરેઃ શિવરાત્રીના સ્નાન માટે તડામાર તૈયારી, વીડિયો વેચનારા પર તવાઈ

સનાતનની આ સુંદરતા સમાજવાદીઓ અને ડાબેરીઓ નહિ જોઇ શકે

સીએમ યોગીએ કહ્યું કે મહાકુંભમાં, જેણે જે શોધ્યું તેને તે મળ્યું, ગીધને ફક્ત મૃતદેહો મળ્યા, ભૂંડને ગંદકી મળી, સંવેદનશીલ લોકોને સંબંધોનું સુંદર ચિત્ર મળ્યું. શ્રદ્ધાળુઓને પુણ્ય મળ્યું, સજ્જનોને સજ્જનતા મળી, અમીરોને વ્યવસાય મળ્યો, ગરીબોને રોજગાર મળ્યો, ભક્તોને ભગવાન મળ્યા, સનાતનની આ સુંદરતા સમાજવાદીઓ અને ડાબેરીઓ કેવી રીતે જોઇ શકશે

26 ફેબ્રુઆરી સુધીમાં ભક્તોની સંખ્યા 65 કરોડને પાર કરશે

સીએમ યોગીએ કહ્યું કે આ વખતે તમે મહાકુંભમાં ગયા ડૂબકી લગાવી અને વ્યવસ્થાઓની દિલથી પ્રશંસા કરી. તમે સ્વીકાર્યું કે જો મહાકુંભમાં વિશ્વસ્તરીય વ્યવસ્થા ન હોત તો અત્યાર સુધી 63 કરોડ ભક્તો ન આવ્યા હોત. હવે 26 ફેબ્રુઆરી સુધીમાં આ સંખ્યા 65 કરોડને પાર કરી જશે. તમે કહ્યું હતું કે મહાકુંભમાં એક ચોક્કસ જાતિના લોકોને રોકવામાં આવ્યા હતા. અમે કહ્યું કે કોઈને રોકવામાં આવ્યા નથી. જો કોઈ અરાજકતા ફેલાવશે તો તેને તેમ કરવાની મંજૂરી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button